Advertisement

રાજકારણના આટાપાટા: BJPનું ઓપરેશન સફળ રહ્યું, મોદીની ઈચ્છા પૂર્ણ કરી દીધી, ગુજરાતમાંથી એક પણ નારાજગીનો ફટાકીયો ન ફૂટ્યો એ જ મોદીનો કરિશ્મા

11:11 AM Sep 18, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષનું ઓપરેશન સફળ રહ્યું છે. તેમણે મોદીની ઇચ્છા પૂર્ણ કરી છે. વિરોધ કે નારાજગીનો એકપણ સૂર જોવા મળ્યો નથી. કહેવાય છે કે ભાજપમાં મહામંત્રીનું પદ અધ્યક્ષ પછી સૌથી વધુ પાવરફુલ માનવામાં આવે છે. આ પાવરફુલ પદ મેળવનારા સંતોષે મોદીની સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરાવ્યું છે.

કર્ણાટકના શિવમોગા જિલ્લાના બીએલ સંતોષ વ્યવસાયથી કેમિકલ એન્જીનિયર છે. આરએસએસની વિચારધારા અપનાવ્યા પછી આ એન્જીનિયરે ગૃહસ્થ જીવન વસાવવાનો ઇરાદો છોડી દીધો હતો. કુંવારા રહીને સંતોષ સંઘના પૂર્ણકાલિન પ્રચારક બની ગયા હતા. તેઓ કર્ણાટક ઉપરાંત દક્ષિણ ભારતના છ રાજ્યોમાં સંઘ ભાજપ અને સંલગ્ન સંગઠનોમાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. ગુજરાતની જવાબદારી પણ તેમને આપવામાં આવી હતી.

પાર્ટીના સૂત્રો કહે છે કે, 24 સભ્યોની કેબિનેટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સાત સભ્યો છે, જે સૌથી વધુ છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના પાંચ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ચાર સભ્યોને સ્થાન મળ્યું છે. કહેવાય છે કે, વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે તેઓએ આ રાજનેતાઓએ ટિકિટ અપાવવામાં મદદ કરી હતી.

કેબિનેટમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મોદી મહેરબાન થયાં છે. આ બન્ને વિસ્તારોને સંપૂર્ણ ન્યાય આપ્યો છે, પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કેબિનેટમાંથી વિદાય પછી ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ ઓછું થયું છે. જે મંત્રીઓ બન્યા છે, તેઓ કરિશ્માયુક્ત નેતાઓ નથી. માત્ર વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ એક મોટું નામ કહી શકાય છે. પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલ કહે છે કે સત્તાનું બેલેન્સિંગ કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

Advertisement

દર્શના જરદોશ- પ્રદીપસિંહ તેમના સમર્થકોે કેબિનેટમાં લાવી શક્યા

કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ છેલ્લી ઘડીએ તેમના સમર્થક પૂર્ણેશ મોદીને મંત્રીમંડળમાં સમાવી શક્યા છે. રાજકોટના એક સભ્યને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લઇ આવ્યા છે. જ્યારે અસારવાના એક સભ્યને પ્રદીપસિંહ જાડેજાના કહેવાથી કેબિનેટમાં લેવાયા છે. બાકીના છ ચહેરા પાર્ટીલાઇનના છે, જેમનું કોઈ જૂથ નથી.

કેબિનેટમાં જૂથ પ્રમાણે નહીં નરેન્દ્ર મોદીની સંમતિથી પસંદગી થઈ

પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે, કેબિનેટમાં જૂથપ્રમાણે મંત્રીઓની પસંદગી થઈ નથી, પરંતુ બઘાં નામોની સંમતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. આ બઘાં ચહેરા તેમની પસંદગીના છે. જો કે ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ આનંદીબહેન પટેલના સમર્થક છે. દાદાએ જાહેરમાં કહ્યું છે કે, મારી ઉપર આનંદીબહેન પટેલના હંમેશા આશીર્વાદ છે. સરકારની સુપ્રીમ પોસ્ટમાં તેમણે કમાન સંભાળી લીધી છે અને પહેલા દિવસથી સરકારનું કામ કરી રહ્યાં છે.

બ્રિજેશ મેરજાની પંચાયત મંત્રી અને નાનાભાઈ એ  જ વિભાગમાં વહીવટી વડા

કેબિનેટના રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાના લધુબંધુ રમેશ મેરજા જે તાજેતરમાં આઇએએસ ઓફિસર બન્યા છે, તેઓ પાટણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. મોટાભાઇ પંચાયત વિભાગના મંત્રી હોય અને નાના ભાઈ પંચાયત વિભાગ હેઠળની જિલ્લા પંચાયતના વહીવટી વડા હોય તેવી જોગાનુજોગ ઘટના ગુજરાતમાં પ્રથમવાર બની છે. બ્રિજેશ મેરજાને શ્રમ, રોજગાર અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ સોંપવામાં આવ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીંબડીના જગદીશ આશ્રમમમાં પહોંચી ગયા હતા. તેઓ આ તિર્થસ્થાન પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. દાદા ભગવાન અને ત્રિમંદિરના ભક્ત એવા પટેલ ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધારે રૂચિ દાખવે છે. તેમની નિકટના સાથીદારો કહે છે કે તેઓ ક્યારેય કોઇની પર ભાગ્યેજ ગુસ્સે થતા હોય છે.

સમાજના સ્ટેમ્પથી નેતૃત્વ નહીં, ભાજપ  હાઈકમાન્ડનો દેશને મેસેજ

સમાજના સ્ટેમ્પથી નેતૃત્વ નહીં — એવો એક મેસેજ ભાજપના હાઇકમાન્ડે આખા દેશને આપ્યો છે. હવે સમાજનું કે જ્ઞાાતિઓનું નેતૃત્વ ખુદ ભાજપ નક્કી કરશે. દેશની અન્ય પાર્ટીઓ માટે આ એક મોટી શીખ છે. સૌરાષ્ટ્રના ખમતીધર નેતાઓને પાર્ટીએ ઘરભેગા કર્યા છે. આહીરનું નેતૃત્વ સમાપ્ત કર્યું છે. પાટીદાર અને કોળી સમાજમાં પણ નેતૃત્વ પરિવર્તન કરીને જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા અને પુરૂષોત્તમ સોલંકીને બહારનો રસ્તો બતાવી દીધો છે.

મંત્રીઓમાં સૌથી નાના હર્ષ સંઘવી પાસે 17 જેટલા વિભાગોનો હવાલો

ગુજરાતની કેબિનેટમાં મુખ્યમંત્રી પાસે સૌથી વધુ વિભાગો છે. તેમણે ગૃહ, શહેરી વિકાસ, બંદરો અને ઉદ્યોગ વિભાગ તેમની પાસે રાખ્યો છે. તેમની જેમ શક્તિશાળી મંત્રી તરીકે રાજ્યકક્ષાના હર્ષ સંઘવી ઉપસી રહ્યાં છે. તેમની પાસે 17 જેટલા વિભાગોનો હવાલો છે. રાજ્યકક્ષાના ગૃહ મંત્રી બનેલા હર્ષ સંઘવી સૌથી નાની વયના મંત્રી છે, પરંતુ તેમને ખાતાની ફાળવણીમાં પ્રદીપસિંહ જાડેજા જેટલો ભાર આપવામાં આવ્યો છે.

મોરવા હડફના નિમિષા સુથારને માત્ર ચાર જ મહિનામાં લોટરી લાગી

સરકારમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથાર એક એવા મહિલા મંત્રી છે કે, જેમને માત્ર ચાર મહિનામાં લોટરી લાગી છે. ખાલી પડેલી બેઠક પર તેઓ પેટાચૂંટણી લડયા હતા. બીજી તરફ કાંકરેજના ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે, તેઓ સરળ અને સાલસ પ્રકૃતિ ધરાવે છે. તેઓ જ્યારે મંત્રી બન્યા ત્યારે તેમના પત્ની ખેતરમાં પશુઓ માટે ઘાસચારો વાઢવા માટે ગયા હતા.

આ રિલે રેસ છે,  એકબીજાને દોડીને જવાબદારી સોંપવાની હોય છે : રૂપાણી

મુખ્યમંત્રી પદેથી વિદાય થયેલા વિજય રૂપાણી હાલ હળવાશની પળો માણી રહ્યાં છે. સ્વભાવે નિખાલસ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નવા મંત્રીમંડળની શપથવિધિ પછી હું રાજકોટ આવ્યો છું. હળવાશ અને મુક્તિનો અનુભવ કરી રહ્યો છું. પાર્ટીએ જે નિર્ણય કર્યો છે, તેની બઘી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ રિલે રેસ છે. અહીં એક બીજાને દોડીને જવાબદારી સોંપવાની હોય છે અને તે માત્ર ભાજપ જ કરી શકે છે.

દુબઈ એક્સપોમાં રૂપાણી જવાના હતા પણ હવે ભુપેન્દ્ર પટેલ જશે

દુબઇ એક્સ્પોમાં જવાની તૈયારી વિજય રૂપાણી કરતા હતા. રૂપાણી ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં પ્રતિનિધિમંડળ સાથે દુબઈ જવાના હતા, પરંતુ હવે આ તૈયારી દાદાએ કરવાની થાય છે. દુબઇમાં નામ વિજય રૂપાણીનું લખાયું હતું, પરંતુ હવે નામ બદલીને ભૂપેન્દ્ર પટેલ કરવાનું થશે. રાજ્ય સરકાર આ એક્સ્પો પાછળ 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે. ગુજરાતની 10મી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ પણ દાદાના યજમાનપદે યોજાશે.

2022માં વરાછા બેઠક જીતવી અઘરી પડશે : કુમાર કાનાણીનો દાવો

રૂપાણી સરકારના એક પૂર્વ મંત્રીએ ચોંકાવનારૂં નિવેદન કર્યું છે. પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ કહ્યું છે કે હું પાર્ટીના હિતમાં સત્ય વાત કરી રહ્યો છું. 2022ની ચૂંટણીમાં વરાછા બેઠક જીતવી અઘરી બનશે, કારણ કે ભાજપના મતદારો વિમુખ થઇ રહ્યાં છે. વરાછા હવે આમ આદમી પાર્ટીનું સેન્ટર બની રહ્યું છે. જો કે તેમણે કહ્યું હતું કે સુરતને કેબિનેટમાં પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે પાર્ટી એક અલગ રણનીતિ તૈયાર કરી રહી છે. વરાછાની આ બેઠક જીતવા માટે પક્ષે સારા ઉમેદવારને પસંદ કરવો પડશે.

મને કોઈ દુ:ખ નથી, સાથે મળીને કામ કર્યું છે, અન્યાય નથી થયો : રાદડિયા

રૂપાણી સરકારના પૂર્વ મંત્રીઓ ચૂપ થઈ ગયા છે. સંગઠનની શિસ્ત જાળવીને તેઓ તેમના નિવેદન આપી રહ્યાં છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા શક્તિશાળી નેતા જયેશ રાદડિયાએ કહ્યું હતું કે – મને દુખ નથી. સાથે મળીને કામ કર્યું છે. નાની ઉંમરમાં ઘણાં હોદ્દો મળ્યા છે. અમને ક્યાંય અન્યાય થતો નથી. ભાજપે પણ મને ઘણું આપ્યું છે. હું ધારાસભ્ય અને કાર્યકર્તા છું. લોકોની વચ્ચે જવાનો છું. લોકોના દિલમાં છું.

READ ALSO

The post રાજકારણના આટાપાટા: BJPનું ઓપરેશન સફળ રહ્યું, મોદીની ઈચ્છા પૂર્ણ કરી દીધી, ગુજરાતમાંથી એક પણ નારાજગીનો ફટાકીયો ન ફૂટ્યો એ જ મોદીનો કરિશ્મા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next