Advertisement

Shershaah/ જાણો પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાની કરગિલ યુદ્ધ વખતની અનોખી પરાક્રમ કથા!

07:43 PM Aug 13, 2021 | Lalit Khambhayata |
Advertisement

GSTV

12 ઓગસ્ટે રિલીઝ થયેલી બાયૉગ્રાફિકલ વૉર ફિલ્મ ‘શેરશાહ/Shershaah’ પરમવીર ચક્ર વિજેતા આર્મી ઑફિસર વિક્રમ બત્રાના જીવન પર આધારિત છે. વિક્રમ બત્રા 1999ની સાલમાં 3 મેથી 26 જુલાઈ દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ અને કશ્મિરના કારગિલ જિલ્લામાં ખેલાયેલા યુદ્ધ (કારગિલ વૉર)માં અભૂતપૂર્વક વીરતા અને બહાદૂરી સાથે શહિદ થયા હતા. 9 સપ્ટેમ્બર, 1974ના રોજ જન્મેલા વિક્રમ બત્રાની ત્યારે ઉંમર હતી માત્ર 24 વર્ષ! (દેહાંતઃ 7 જુલાઈ, 1999). ફિલ્મની વાત કરતા પહેલા વિક્રમ બત્રાના જીવન વિશે થોડી વાત કરીએ.

આર્મીમાં જોડાવાનું નાનપણથી સપનું હતું

હિમાચલ પ્રદેશના પાલમપુરમાં સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ ગિરધારીલાલ બત્રા અને સ્કૂલ ટીચર કમલકાંતા બત્રાના ઘરે બે દીકરીઓ બાદ જોડીયા બાળકો જન્મ્યા. વિશાલ અને વિક્રમ. વિક્રમ 14 મિનિટ મોટો હતો વિશાલ કરતા. બંને દેખાવમાં ઑલમોસ્ટ સરખા લાગતા. શરૂઆતમાં પાલમપુરમાં અભ્યાસ કર્યા બાદ વિક્રમ ચંડિગઢની ડી.એ.વી કૉલેજમાં બી.એસસી મેડિકલ સાયન્સિસ કરવા માટે જોડાયા. પાલમપુરમાં સેના છાવણીમાં જ તેની સ્કૂલ હોઈ તેમને ત્યારથી આર્મીમાં જવાની ઈચ્છા થઈ ચૂકી હતી. ત્યાર બાદ કૉલેજમાં પણ એનસીસીમાં જોડાયા. સ્વતંત્રના દિવસની પરેડમાં એનસીસીની કેડેટમાં તેમની પસંદગી થઈ હતી. અન્યો બાળકનું ડૉક્ટર, એન્જિનિયર પ્રકારનું સપનું હોય, વિક્રમ બત્રાનું સપનું હતું આર્મીમાં જોડાવાનું!

1995નું વર્ષ હતું. વિક્રમ બત્રાને બેચરલ ડિગ્રી મળી ચૂકી હતી. હવે તેમણે એમએમાં એડમિશન લીધું હતું અને સાથે કમ્બાઈન ડિફેન્સ સર્વિસીસની તૈયારી કરતા હતા. સાંજના યૂનિવર્સિટીના ક્લાસ ભરતા અને પાર્ટ ટાઈમ ચંડિગઢની ટ્રાવેલ એજન્સીમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતા. એક વર્ષમાં જ વિક્રમ બત્રાનું સપનું પૂરૂં થયું. ડિફેન્સ સર્વિસિસની પરિક્ષા વિક્રમ બત્રાએ પાસ કરી હતી અને તેની સર્વિસ સિલેક્શન બોર્ડમાં પસંદગી થઈ હતી. એમ.એનો અભ્યાસ હજુ ચાલુ હતો, પરંતુ વિક્રમે ઈન્ડિયન મિલીટ્રી ઍકેડમીમાં જોડાવા યૂનિવર્સિટી છોડી દીધી.

એ ગોળી મારા માટે હતી…

ઈન્ડિયન મિલિટ્રી ઍકેડમીમાં વિક્રમ બત્રા સૌથી પહેલા દેહરાદુનમાં માણેકશા બટાલિયન સાથે જોડાયા. 19 મહિનાની ટ્રેનિંગ બાદ 6 ડિસેમ્બર, 1997ના રોજ તેમને જમ્મુ અને કશ્મિર રાઈફલ્સની 13મી બટાલિયન (13 JAK RIF)માં લેફ્ટનન્ટની પદવી મળી. તાલીમ મેળવી લીધા બાદ ‘લેફ્ટનન્ટ વિક્રમ બત્રા’નું પોસ્ટિંગ જમ્મુ ઍન્ડ કશ્મિરના બારામુલ્લા જિલ્લાના સોપોર ગામમાં થયુ. દરમ્યાન તેમણે મધ્ય પ્રદેશના ઈન્દોરની પાયદળ સ્કૂલમાં યંગ ઑફિસરનો કોર્સ કર્યો. આલ્ફા ગ્રેડ સાથે ઉત્તિર્ણ થઈ તેઓ પાછા સોપોર ફર્યા.

Advertisement

સોપોરમાં પોસ્ટિંગ દરમ્યાન વિક્રમ બત્રાની આંતકવાદી સામે એકથી વધારે વખત મુઠભેળ થઈ હતી. એકમાં વિક્રમ બત્રા ટીમને લીડ કરતા હતા. એ વખતે સામેથી આવી રહેલી ગોળી બત્રાના ખભાને અડતી પાછળ ઊભેલા સાથીદારને લાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ વિક્રમ બત્રાના ઑર્ડર ઉપર તમામ આંતકવાદીઓને મારી નખાયા હતા. જોકે, વિક્રમ બત્રા એ વખતે અત્યંત દુઃખી હતા કેમ કે તેઓ જાણતા હતા કે તે ગોળી તેમના માટેની હતી. વિક્રમ બત્રાએ મોટી બહેનને ફોન પર કહ્યું હતું કે, ‘તે ગોળી મારા માટે હતી, મેં મારો માણસ ખોયો.’ ( આ સીન ફેરબદલ સાથે, પણ ‘શેરશાહ’ ફિલ્મમાં સરસ ફિલ્માવાયો છે.)

યે દિલ માંગે મોર…

1999ની સાલમાં વિક્રમ બત્રા ફરી કમાન્ડોની ટ્રેનિંગ માટે કર્નાટકના બેલગામમાં ગયા. તે પતાવીને પાછા આવ્યા ત્યાર બાદ તેમની ટુકડીને જમ્મુ કશ્મિરના કારગિલ જિલ્લામાં આવેલા ‘હિલ સ્ટેશન’ ડ્રાસ જવાનો ઑર્ડર મળ્યો. કારગિલમાં આવેલી મુસ્કાન વૅલીનો મહત્વનો પૉઈન્ટ જેને ‘પૉઈન્ટ 5140’ નામ અપાયું હતું, તે દુશ્મન દેશ પાકિસ્તાને કબ્જે કરી લીધું હતું. આ પહેલા હમ્પ અને રાકી નબ ચોકી જીતી ગયા બાદ ‘લેફ્ટનન્ટ વિક્રમ બત્રા’માંથી ‘કેપ્ટન વિક્રમ બત્રા’ થઈ ચૂક્યા હતા. હવે ‘પૉઈન્ટ 5140’ નામક દુર્ગમ ચોકી જીતવાની હતી જે વિક્રમ બત્રાએ તેમના સાથીઓ સાથે 20 જૂન, 1999ના રોજ સવારે ત્રણ વાગ્યે જીતી. કેપ્ટન બત્રાએ આ ચોકી પરથી રેડિયો દ્વારા આ ભારતના વિજયની ઘોષણા કરી અને કહ્યું, યે દિલ માંગે મોર. વાસ્તવમાં આ તેમનું વિક્ટ્રી સિગ્નલ હતું. તેમની સાથેના કેપ્ટન સંજીવ જામવાલનું વિક્ટ્રી સિગ્નલ ‘ઓ યા યા’ હતું.

જોડિયા ભાઈઓ કેપ્ટન વિક્રમ બત્રા અને વિશાલ બત્રા

 આ મિશન દરમ્યાન વિક્રમ બત્રાનું કૉડ નૅમ ‘શેરશાહ’ હતું જે વાયરલેસ દ્વારા પાકિસ્તાન સુધી પહોંચી ગયું હતું. આ જીતના બીજા દિવસે લહેરાતા ભારતીય ઝંડા સાથે વિક્રમ બત્રા અને તેમની ટીમનો ફોટો આખા ભારતે જોયો હતો. પૉઈન્ટ 5140 બાદ પૉઈન્ટ 4875 માટે વિક્રમ બત્રાની ટીમ નીકળી ચૂકી હતી. આ ચોકી અત્યંત દુર્ગમ અને અગાઉ કરતા પણ વધારે મુશ્કેલ ભૌગોલિક જગ્યા પર હતી. આ ચોકી પરથી દુશ્મનનો નિકાલ કરવો અત્યંત આવશ્યક હતું કેમ કે આ ચોકીથી તેઓ ભારતીય સીમામાં 70 કિમી સુધીના વિસ્તારને કન્ટ્રોલ કરી શકે તેમ હતા. આ ચોકી પર દુશ્મનો સાથેના યુદ્ધ-ઘર્ષણમાં વિક્રમ સહિતના ભારતના અન્ય જાબાંઝ સૈનિકો ઘાયલ થયા. અંતે વિક્રમ બત્રા શહીદ થયા, પરંતુ જીત મેળવીને. દુશ્મનોને ધૂળ ચટાડીને. ભારતે આ ચોકી પર પણ પોતાની ઝંડો ફરકાવ્યો. જોકે, તેની કિંમત બહાદૂર સૈનિકોએ શહીદી વહોરીને ચૂકવવી પડી.

લવ-સ્ટોરી ઑફ કેપ્ટન બત્રા

ડ્યુટી પરથી વિક્રમ બત્રા જ્યારે જ્યારે પોતાના ગામ હિમાચલ પ્રદેશના પાલમપુરમાં આવતા ત્યારે તેમની ગમતી જગ્યા ‘ન્યૂગલ કૅફે’ પર તેઓ અચૂક જતા.

કોલેજમાં એમ.એ કરતા એ દરમ્યાન વિક્રમ બત્રાનો પરિચય તેમની કલિગ ડિમ્પલ ચીમા  સાથે થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રણય થયો હતો. તાજેતરમાં ડિમ્પલ ચીમા એ જણાવ્યું હતું કે, તેઓ બંને ઘણી વખત મનસા દેવી મંદિર અને ગુરુદ્વારા જતા હતા. ડિમ્પલ ચીમા એ કહ્યું હતું કે, ‘એક વાર તો વિક્રમે મારી સાથે લગ્ન કરી જ લીધા હતા. અમે બંને ફરવા ગયા હતા. લગ્ન વિશે વાત કરતા હતા ત્યારે વિક્રમે પોતાના પર્સમાંથી બ્લેડ કાઢી અને પોતાના લોહીથી મારી માંગ ભરી લીધી. આ ક્ષણ હું આજ સુધી નથી ભૂલી.’ ઉલ્લેખનિય છે કે, ડિમ્પલ ચીમાએ આજ સુધી લગ્ન નથી કર્યા.

વિક્રમ બત્રાની મુલાકાત ડિમ્પલ સાથે થઈ અને આરંભાઈ લવ સ્ટોરી...

કોલેજમાં હતા ત્યારે હોંગ કોંગની એક શિપિંગ કંપનીના હેડ ક્વાર્ટરમાં મર્ચન્ટ નૅવીમાં વિક્રમ બત્રા સિલેક્ટ થઈ ગયા હતા. જોકે, તેમણે પ્રસ્તાવ એમ કહીને નકાર્યો હતો કે, પૈસા બધું જ નથી જિંદગીમાં. વિક્રમ બત્રાને 15 ઓગસ્ટ 1999ના રોજ મરણોપરાંત પરમવીર ચક્ર દ્વારા સન્માનિત કરાયા હતા. તેમના પિતા જી. એલ. બત્રાએ તે સન્માન સ્વીકાર્યું હતું.

કેવી છે ફિલ્મ ‘શેરશાહ’?

તમિલ ફિલ્મ ડિરેક્ટર વિષ્ણુ વર્ધનની ‘શેરશાહ’ એ ડેબ્યુ હિન્દી ફિલ્મ છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ વિક્રમ બત્રાનું પાત્ર ભજવ્યું છે તો કિઆરા અડવાણીએ ડિમ્પલ ચીમા નું. પહેલી વખત સિદ્ધાર્થ મલ્હોત્રાને રિઅલ લાઈફ કૅરૅક્ટર, એ પણ પરમવીર ચક્ર વિજેતા સૈનાનીનું મળ્યું છે. માટે આ ફિલ્મ સિદ્ધાર્થ મલ્હોત્રાના કરિયર ધક્કો મારશે તે નક્કી છે. તેનો અને કિયારા અડવાણી વચ્ચેનો લવટ્રેક (ઉપર વાત કરી તે પ્રસંગો સહિત) પણ પ્રમાણમાં સરસ ફિલ્માવાયો છે. ફિલ્મ મુજબ ડ્રામેટિક એલિમેન્ટ ઉમેરાયું છે.

આ ઉપરાંત કેપ્ટન સંજીવ જામવાલ બનેલો અભિનેતા શીવ પંડિત, મેજર અજય સિંહ જસરોટીઆ બનેલો નિકિતિન ધીર, મેજર રાજીવ કપૂર બનેલો હિમાંશુ એ. મલ્હોત્રા, નાયબ સુબેદાર બંશી બનેલો, અનિલ ચરનજીત, વગેરે કલાકારોએ સારું પરફૉર્મન્સ આપ્યું છે. આ અને આ ઉપરાંતના તમામો પાત્રો રિઅલ લાઈફમાં હતા અથવા છે, માટે એ રીતે પણ તેમને જોવા – જાણવા રસપ્રદ રહે છે. ફિલ્મના અંતે રિઅલ અને રિલ લાઈફ કૅરૅક્ટરની નામાવલી આવે છે.

હવે ફિલ્મના અમુક નબળા પાસાની વાત કરીએ. પહેલા તો આ વૉર ફિલ્મ છે અને તેના દ્રશ્યોની જેટલી અસરકારતા હોવી જોઈએ તેટલી નથી લાગતી. ડિરેક્ટર વિષ્ણુવર્ધને ફિલ્મને વાસ્તવિકતાની નજિક રાખવાનો પ્રયત્ન જરૂર કર્યો છે, પણ કદાચ તેમ કરતા ઈન્ટેનસિટી ઘટી ગઈ હોય તેવું લાગે છે. કારગિલ યુદ્ધના દ્રશ્યો, જે ફિલ્મ માટે સૌથી મહત્વના છે, તે ફ્લેટ લાગે છે. લવટ્રેક ટૂંકો કર્યો હોત તો ફિલ્મ વધુ સારી બની શકી હોત. ડાયલૉગ્સ યાદ રહી જાય તેવા એકાદ-બે છે, હશે. ફિલ્મ અંતના દ્રશ્યો લાગણીશીલ કરી મૂકે છે. પંજાબી ગીતો કર્ણપ્રિય લાગે છે. જોકે, યાદ રહી જાય તેવા ગીતો એક પણ નથી. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઠિકઠાક છે.

The post Shershaah/ જાણો પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાની કરગિલ યુદ્ધ વખતની અનોખી પરાક્રમ કથા! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next