Advertisement

Review / કારગીલ યુદ્ધની સત્યકથા રજૂ કરતી આ ફિલ્મ Shershaah કેવી છે? કેવું છે સંગીત અને કેવી છે એક્ટિંગ?

03:27 PM Aug 14, 2021 | Lalit Khambhayata |
Advertisement

GSTV

Shershaah : બોલીવુડમાં સતત અનિયમિત ઉતાર ચડાવ આવી રહ્યા હોય, મોટાભાગની ફિલ્મો ફ્લોપ થઈ રહી હોય, ક્રીએટીવિટીના નામે ડિરેક્ટરે કરેલ તમામ પ્રયોગો નિષ્ફળ સાબિત થઈ રહ્યા હોય. ત્યારે આવી સ્થિતિમાં બળિયું બચાવવા માટે બૉલીવુડ પાસે એક જબરદસ્ત જુગાડ છે. અને એ છે ‘વોર ફિલ્મ’ એટલે કે યુદ્ધકથા પર આધારિત ફિલ્મ. ડિરેક્ટરને જો સારી વાર્તા સાથે મજબૂત કલાકારો મળી જાય તો આવી ફિલ્મોને કમાણી કરતા કોઈ રોકી શકે નહીં. અહિયાં ઉલ્લેખનીય છે કે એક્ટર સિધ્ધાર્થ મલ્હોત્રાએ પણ પોતાની હાલક-ડોલક થઈ રહેલી કારકિર્દીની નાવને કિનારા સુધી પહોંચાડવા માટે એક ‘વોર ફિલ્મ’ નો સહારો લીધો છે. જઈ હા, અહિયાં કારગિલ હીરો શહીદ કેપ્ટન વિક્રમ બત્રા અને કારગિલ યુદ્ધ પર આધારીય ફિલ્મ ‘શેરશાહ’ ની વાત થઈ રહી છે.

કારગિલ નામ આવતાની સાથે જ દરેક ભારતીયની આંખો સામે એક ચહેરો ઊભરી આવે અને એ ચહેરો હોય છે કેપ્ટન વિક્રમ બત્રાનો. ફિલ્મ શેરશાહ કારગીલ યુધ્ધની સાથે સાથે ભારતીય સેનાની બટાલિયન 13 JAK રાઈફલ્સમાં જોડતા પહેલા કેપ્ટન વિક્રમ બત્રાનું જીવન, એમના કોલેજના દિવસો, ડીમ્પલ ચીમા સાથેની તેમની લવસ્ટોરી, તેમનું આર્મીમાં જોડવાનું સપનું વગેરે જેવી બાબતો દર્શાવે છે. 

એક્ટિંગ-ડિરેક્શન     

આ ફિલ્મ તામિલ સિનેમાના જાણીતા ડિરેક્ટર વિષ્ણુ વર્ધાને ડિરેક્ટ કરી છે. જેમાં કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર સિધ્ધાર્થ મલ્હોત્રા ભજવી રહ્યો છે. જ્યારે વિક્રમ બત્રાના પ્રેમિકા ડીમ્પલ ચીમાનું પાત્ર કિઆરા અડવાણી ભજવી રહી છે. વિક્રમ બત્રાના કોલેજના દિવસોના ખાસ મિત્ર અમિત સુદ (સની)નું પાત્ર સાહિલ વૈદ ભજવી રહ્યા છે. આ ઉપરાંત અન્ય  ખાસ પાત્રો તરીકે આર્મી ઓફિસરોના પાત્રોમાં શિવ પંડિત, શિતાફ ફિગાર અને નિકિતીન ધીર જેવા કલાકારો જોવા મળી રહ્યા છે. 

આ ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રાની એક્ટિંગ તેમની અગાઉની અન્ય ફિલ્મો કરતાં સહેજ વધારે વાસ્તવિક લાગી રહી છે. જેવી રીતે મહેન્દ્ર સિંઘ ધોનીની બાયોપિકમાં સુશાંતસિંહ હંમેશા માટે યાદ રહી ગયા એમ વિક્રમ બત્રા સાથે સિધ્ધાર્થ મલ્હોત્રા યાદ રહી જાય એવું બની શકે. હરહંમેશની જેમ સિધ્ધાર્થ એક ચોકલેટ બોયની આઇડેન્ટીટી સાથે  જ આ ફિલ્મમાં દેખાઈ રહ્યો છે. પણ જેમ જેમ ફિલ્મ વિક્રમ બત્રાના કોલેજના દિવસોથી આગળ વધીને આર્મી લાઈફ અને યુધ્ધની પરિસ્થતિ તરફ જાય છે તેમ તેમ સિધ્ધાર્થ મલ્હોત્રાની એક્ટિંગ પણ દર્શકોને જકડી રાખવાનું કામ કરે છે. અગાઉ ઐયારી ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા એક આર્મીમેનનું પાત્ર ભજવી ચૂક્યા છે એટલે કદાચ આ ફિલ્મમાં તેમણે અમુક પ્રકારની આર્મી અને યુધ્ધને લગતી પાયાની જાણકારી મેળવવા માટે મહેનત નહિ કરવી પડી હોય પરંતુ આ શેરશાહ ફિલ્મ રિયલ લાઈફ પર આધારિત હોવાથી કેપ્ટન વિક્રમ બત્રાની સ્ટાઈલ, એમની વાત કરવાની રીત, એમની ચાલવાની રીત વગેરે જેવી બોડી લેન્ગ્વેજને લગતી બાબતો સાથે મેચ થવા માટે સિધ્ધાર્થે ઘણી મહેનત કરી હશે. જે આ ફિલ્મમાં બહુ જ સારી રીતે દેખાઈ આવે છે.

Advertisement

આ ફિલ્મ સિધ્ધાર્થ ડબલ રોલમાં જોવા મળી રહ્યો છે કારણકે કેપ્ટન વિક્રમ બત્રા અને તેમના ભાઈ વિશાલ બત્રા ટ્વીન્સ હોવાથી તેમના ચહેરા એકબીજાથી ખૂબ જ મળતા આવે છે. પરંતુ આ ફિલ્મમાં વિશાલ બત્રાના પાત્ર તરીકે સિધ્ધાર્થનો રોલ ખૂબ જ ટૂંકો છે.

લવસ્ટોરી

કેપ્ટન વિક્રમ બત્રાના પ્રેમિકા ડીમ્પલ ચીમાનું પાત્ર કિઆરા અડવાણી ભજવી રહી છે. કિઆરા માટે આ ફિલ્મ તેની અગાઉની ફિલ્મો જેવી જ રહી હશે. કારણકે કિઆરાનું પાત્ર ફિલ્મમાં એક લવ એંગલ સર્જવા અને ફિલ્મમાં ગીતોને સ્થાન આપવા સિવાય બીજી કોઈ ખાસ અસર નથી આપી રહ્યું. અમુક દ્રશ્યો વખતે ફિલ્મમાં રોમાન્સનો ઓવરડોઝ થઈ ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે. જોકે એ બાબત ફિલ્મની વાર્તાની નબળાઈ તરીકે ગણી શકાય. કિઆરાનો હસતો ચહેરો અને કુર્તી-સલવારનો પહેરવેશ હંમેશથી ભારતીય ટીનેજર્સને ગમતો રહ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં કિઆરાની પંજાબી સાંભળવી પણ દર્શકોને ગમશે.

યુદ્ધની રજૂઆત       

આ ફિલ્મની અન્ય એક ખાસ બાબત એ છે કે, દરેક પાત્રો વાસ્તવિક લાગી રહ્યા છે અને ડાઈલોગ પણ ખૂબ જ સિમ્પલ છે. 13 JAK RIF બટાલિયનનો યુધ્ધ ઘોષ ‘જય દુર્ગે માતાકી’ અને કેપ્ટન વિક્રમ બત્રાનો ફેમસ આઇડેન્ટિકલ ડાઈલોગ ‘દિલ માંગે મોર’ નો જ ફિલ્મની પંચલાઇન્સ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. મુખ્ય વાર્તા વિક્રમ બત્રા પર આધારિત હોવા છતાંય આર્મીના અન્ય ઓફિસરોના પાત્રોને પણ મહત્વ અપાયું છે. કારગિલ યુધ્ધ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર દરેકને સ્પોટલાઇટ મળી રહે એનું મેકર્સે ખાસ ધ્યાન રાખ્યું છે. જે ફિલ્મની બીજી એક ખાસ બાબત છે. આ ઉપરાંત આ ફિલ્મમાં સત્ય હકીકતને ઢાંકી દે અથવા ક્રિએટિવ છૂટછાટને નામે કોઈ મોટા અખતરા કરવામાં નથી આવ્યા. જેથી ફિલ્મની વાર્તા અને કારગિલ યુધ્ધની વાર્તાની ઓથેન્ટિસિટી  જળવાઈ રહી છે. ફિલ્મ યુદ્ધના દ્રશ્યોને જીવંત કરવાનું કામ સીનેમેટોગ્રાફરે બખૂબી નિભાવ્યું છે. પણ કેટલાક દ્રશ્યો વર્ષ 2004માં આવેલી રિતિક રોશનની ફિલ્મ ‘લક્ષ્ય’ના યુદ્ધ દ્રશ્યો સાથે મળતા આવે છે. કારણકે આ ફિલ્મ પણ કારગિલ યુદ્ધ પર આધારિત જ હતી. ફિલ્મની સ્ક્રિપ્ટમાં દેશભક્તિને લગતા ડાઈલોગ તેમજ પંચલાઇન્સ પર વધારે મહેનત કરી શકાય તેમ છે. 

ગીત-સંગીત

ફિલ્મના સંગીતની વાત કરી તો ફિલ્મના ગીતો પ્રમાણમાં સારા છે. રેપ સોંગના જમાનામાં ઘણા સમયથી એક સારું નવું રોમેન્ટિક સોંગ આવ્યું ન હતું તેની કમી આ ફિલ્મમાં રહેલું ‘રાતે લંબિયા’ ગીત પૂરી કરે છે. આ ઉપરાંત ફિલ્મમાં એક આર્મી સોંગ ‘જય હિન્દ કી સેના’ પણ સંભાળવું ગમે એવું છે. જ્યારે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઠીકઠાક છે. જેને વધારે બહેતર બનાવી શકાયુ હોત. 

બેશક આ ફિલ્મ સિધ્ધાર્થ મલ્હોત્રાના ફિલ્મી કરિયર માટે જેમ ચેન્જર સાબિત થઈ શકે તેમ છે. સાથે સાથે કેપ્ટન વિક્રમ બત્રાના જીવનથી દરેક ભારતીયને પરિચિત કરાવવાનો પ્રયાસ આ ફિલ્મ ખૂબ જ સારી રીતે કરી રહી છે. જે દર્શકો માટે આ ફિલ્મ જોવાનું એક સરસ અને યોગ્ય કારણ હોય શકે.

The post Review / કારગીલ યુદ્ધની સત્યકથા રજૂ કરતી આ ફિલ્મ Shershaah કેવી છે? કેવું છે સંગીત અને કેવી છે એક્ટિંગ? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next