Advertisement

સૌરાષ્ટ્રમાં ભાદરવે ભરપૂર મેઘવર્ષા: સાર્વત્રિક 1થી 10 ઈંચ સાર્વત્રિક મેઘવર્ષા, હજુ આટલા દિવસ ભારે વરસાદની આગાહી

07:51 AM Sep 09, 2021 | Bansari |
Advertisement

GSTV

શક્તિશાળી બનેલી લો પ્રેસર સીસ્ટમ દક્ષિણ ગુજરાત થઈને આજે સૌરાષ્ટ્ર પરથી આગળ વધતા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ,ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર ભારે વરસાદ થયો હતો જ્યાં સૂત્રાપાડામાં સૌથી વધુ ૧૦ ઈંચ, માણાવદરમાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. તો રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, મોરબી, પોરબંદર અને જામનગર જિલ્લામાં પણ રાત્રિના આઠ સુધીમાં ૧ ઈંચથી ૬ ઈંચ વરસાદ નોંધાયો હતો અને કૃષિક્ષેત્રે વ્યાપક રાહત પહોંચી છે તેમજ જળાશયોમાં પણ નવા નીર આવવા શરૂ થયા હતા. સોરઠ પંથકમાં માણાવદરમાં ૭ ઈંચ અને તમામ તાલુકામાં ૩થી ૬ ઈંચ, સોમનાથ જિલ્લામાં ૪થી ૧૦ ઈંચ વરસાદ વરસી જતા અને અનેક જળાશયોમાં ધોધમાર આવક શરૂ થતા કૃષિની સાથે પાણી પ્રશ્ને પણ રાહતની લાગણી છવાઈ છે. મોડી રાત્રિના પણ સૌરાષ્ટ્રમાં કાળાડિબાંગ વાદળો સાથે ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે.

ગીર જંગલથી હર્યા ભર્યા જુનાગઢ જિલ્લામાં માણાવદર ૭ ઈંચ ઉપરાંત ભેંસાણમાં ૫.૫૦ ઈંચ, વિસાવદર અને માળીયા હાટીનામાં ૫ ઈંચ, કેશોદ અને વંથલી તાલુકામાં ૪ અને જુનાગઢ, મેંદરડા અને માંગરોળ તાલુકામાં ૩ ઈંચ વરસાદથી ધરતી તરબતર થઈ છે અને ઠેરઠેર પાણી ભરાયા હતા.જુનાગઢ પાસે ગરવા ગીરનાર પરથી જળધોધ વહેતા રમણીય દ્રશ્ય સર્જાયું હતું અને ભવનાથ તળેટીએ પણ પાણી ભરાયા હતા.માણાવદર પાસેના બાંટવો ખારો ડેમ છલકાયો હતો જ્યારે જુનાગઢ પાસેનો વિલિગ્ડન ડેમ ઓવરફ્લોમાં બે ફૂટ બાકી રહ્યો છે.

રાજકોટમાં આજે પૂર્વ તરફના આકાશે વિજળીના તેજલીસોટા અને પ્રચંડ ગડગડાટી સાથે વરસાદી માહૌલ જામ્યો હતો પરંતુ, મેઘરાજા શહેરમાં ગાજ્યા એટલું વરસ્યા ન્હોતા. ફાયરબ્રિગેડ સૂત્રો અનુસાર બપોરે ૨થી રાત્રે ૮ સુધીમાં ત્રણ કટકે સેન્ટ્રલ ઝોનમાં ૩૨ મિ.મિ. ,વેસ્ટઝોનમાં ૨૬ મિ.મિ. અને ઈસ્ટઝોનમાં ૨૫ મિ.મિ. સાથે એકંદરે એક ઈંચ વરસાદ નોંધાયો છે. બેડી યાર્ડમાં જણસીઓને તાલપત્રીથી ઢાંકી દેવાઈ હતી જ્યાં આજે પ્રચંડ અવાજ સાથે વિજળી ત્રાટકી હતી. રાજકોટ તથા જેતપુરને પાણી પૂરૂં પાડતા ભાદર ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ હતી.

પરંતુ, રાજકોટથી ૩૫ કિ.મી.ના અંતરે ગોંડલમાં મુશળધાર ૫ ઈંચ વરસાદ વરસી ગયો હતો, તાલુકાના વાસાવડ સહિતના ગામો તો જાણે ટાપુમાં ફેરવાયા હતા અને વિજળી પડયાના બનાવો પણ નોંધાયા છે. જ્યારે રાજકોટ જિલ્લાના લોધિકામાં ધોધમાર ૪ ઈંચ, વિંછીયા દોઢ ઈંચ, કોટડાસાંગાણી તાલુકામાં ૩ ઈંચ, પડધરીમાં એક ઈંચ, જસદણમાં ૧ ઈંચ અને રાજકોટ,ધોરાજી, જેતપુર તાલુકા વિસ્તારમાં પોણો-એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.

Advertisement

અમરેલી જિલ્લામાં આજે પણ મેઘમહેર જારી રહી હતી અને ૧૧ તાલુકામાં દોઢથી છ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બાબરામાં ૬ ઈંચ, ખાંભામાં ૪ ઈંચ, ધારીમાં ૩ ઈંચ, લાઠી, વડીયા, બગસરા, રાજુલા, જાફરાબાદમાં ૨ ઈંચ અને સાવરકુંડલા, લીલીયા, અમરેલી તાલુકામાં દોઢ ઈંચ વરસાદથી ખાસ કરીને કૃષિક્ષેત્રે જરૂરી મેઘવર્ષાનો સંતોષ વ્યક્ત થયો હતો. અમરેલી જિલ્લાના ધાતરવડી-૧ અને ૨ તથા ખેબી અને સેલદેદુમલ એ ચાર ડેમ ઓવરફ્લો થયા છે તો ખોડીયાર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર એક ફૂટ બાકી છે જ્યાં પાણીની આવક ચાલુ છે.

ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રિ સુધી મેઘરાજાનું જોર રહ્યું હતું, સૂત્રાપાડામાં રાત્રિના ૮ સુધીમાં ધોધમાર ૬ ઈંચ બાદ રાત્રે વધુ ૪ સહિત આજે ૧૦ ઈંચ વરસાદથી ઠેરઠેર જળબંબાકાર સર્જાયો હતો. વેરાવળ સોમનાથમાં પણ ૬ ઈંચ જ્યાર ેકોડિનાર અને તલાલામાં ૪ ઈંચ, ગીરગઢડા ૨ ઈંચ અને ઉનામાં ૧ ઈંચ વરસાદ વરસી જતા જળસ્ત્રોતો જીવંત બની ગયા હતા.

મોરબી પંથકમાં મેઘરાજાની રાત્રે સવારી આવી પહોંચી હતી અને મોરબીમાં મુશળધાર ૩ ઈંચ મેઘવર્ષા થઈ હતી. જ્યારે ટંકારામાં અઢી ઈંચ, હળવદમાં ૨ અને વાંકાનેરમાં દોઢ ઈંચ વરસાદથી કૃષિ અને પાણી ક્ષેત્રે રાહતની લાગણી પ્રસરી છે. જામનગરના કાલાવડમાં ૧ ઈંચ અને ધ્રોલમાં અર્ધો ઈંચ બાદ વધુ દોઢ ઈંચ સાથે ૨ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે જોડિયા તાલુકામાં પણ ૨ ઈંચ મેઘમહેર નોંધાઈ છે. પોરબંદર જિ.ના કુતિયાણામાં ૧ ઈંચ વરસાદ રાત્રિ સુધીમાં નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત જામકંડોરણા, જોડિયા, રાણાવાવ, પોરબંદર, દ્વારકા, જામજોધપુર, ઉપલેટા, લાલપુર, ભાણવડ સહિત તમામ તાલુકાઓમાં મેઘરાજાની પધરામણી થઈ હતી.આજે પણ સૌરાષ્ટ્રમાં વ્યાપક સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે.

Read Also

The post સૌરાષ્ટ્રમાં ભાદરવે ભરપૂર મેઘવર્ષા: સાર્વત્રિક 1થી 10 ઈંચ સાર્વત્રિક મેઘવર્ષા, હજુ આટલા દિવસ ભારે વરસાદની આગાહી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next