Advertisement

ભાવનગરમાં નો રિપીટ થિયરી: નવી સરકારમાંથી ‘ભાઈ’ની એક્ઝિટ, કોર્પોરેશનની ચૂંટણી હારનારાને ડાયરેક્ટ મંત્રી પદનો સ્વાદ ચખાડ્યો

01:24 PM Sep 17, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ભાવનગર ભાજપના કદ્દાવાર નેતા અને જિલ્લાના બહુમત સમાજમાં પ્રભુત્ત્વ ધરાવતા પુરુષોત્તમ સોલંકીનું પત્તું કાપી મહુવાના ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. ભાવનગરના ફાળે બે સામે બેની થિયરી જાળવી રાખી ભાજપે બે જૂના જોગીની એક્ઝીટ કરી ભાવનગર અને મહુવાના ધારાસભ્યને કેબીનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનનો હવાલો સોંપ્યો છે.

આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ભાજપે નવા મુખ્યમંત્રી અને મંત્રીઓની રચના કરી છે. સીએમની જાહેરાત થયા બાદ પ્રધાનમંડળમાં નો રિપીટ થિયરી અપનાવવામાં ભાજપને હાથના કર્યા હૈયા વાગ્યા હોય તેમ એક દિવસ માટે શપથવિધિનો કાર્યક્રમ પાછો ઠેલવવો પડયો હતો. દરમિયાનમાં ગુરૂવારે વિવાદો વચ્ચે ૨૪ મંત્રીઓના નામની જાહેરાત કરાઈ હતી. જેમાં ભાવનગરના ભાગે બે મંત્રી પદ યથાવત રહ્યા છે.

ભાજપે નવા પ્રધાનમંડળમાં ભાવનગર પશ્ચિમ અને મહુવાને પ્રથમ વખત જ સ્થાન આપ્યું છે. જો કે, નવા બે ચહેરા સામે બે જૂના જોગીના પત્તા કાપવામાં આવ્યા છે. જેમાં પુરુષોત્તમ સોલંકી અને વિભાવરીબેન દવેનો સમાવેશ થાય છે.

કોળી સમાજના કદ્દાવર નેતા અને ૧૯૯૮થી ભાજપને વિધાનસભાની નિશ્ચિત એક સીટ આપનારા પુરુષોત્તમ સોલંકી ‘ભાઈ’નું મત્સ્યોદ્યોગ મંત્રી પદ છિનવી લેવાયું છે. ભાઈની એક્ઝીટ કરતા પહેલા ભાજપના મોવડી મંડળે વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો ન પડે તે માટે ભાવનગર જિલ્લાના બહુમત સમાજને સાચવી લેવા પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા આર.સી. મકવાણાને પ્રધાનમંડળમાં સમાવી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ફાળવાયો છે. 

Advertisement

જ્યારે વિભાવરીબેનનું પત્તું કાપી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુ જીતુ વાઘાણીને મહત્ત્વનું કેબીનેટ પ્રધાનનું સ્થાન અપાયું છે. તેમને શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને  પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાાન અને પ્રાદ્યોગિક મંત્રી બનાવાયા છે. વાઘાણીને ગત વર્ષે પ્રદેશ પ્રમુખમાંથી હટાવ્યા બાદ તેમને કદ પ્રમાણે વેતરી નાંખવામાં આવશે, તેવું રાજકારણમાં ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા જીતુ વાઘાણીને ફરી મહત્ત્વની જવાબદારી સોંપી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર મતોને ભાજપની તરફેણમાં કરવા ખેલ નાંખવામાં આવ્યો છે. જો કે, પાટીદાર સમાજને સાચવવા વિભાવરીબેનને પ્રધાનમંડળમાંથી બાકાત કરતા બ્રહ્મ સમાજને અન્યાય કર્યાનો રોષ પણ ફૂટયો છે. ત્યારે આગામી દિવસોમાં પુરુષોત્તમ સોલંકી અને વિભાવરીબેન દવેની પ્રધાનમંડળમાંથી બાદબાકીથી આંતરિક કલેશ બહાર આવશે તેવું લાગી રહ્યું છે.

ચાર વર્ષ પ્રદેશ પ્રમુખ હવે શિક્ષણનો હવાલો

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીને ૨૦૦૭માં દક્ષિણની સીટ અપાઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં શક્તિસિંહ સામે સાત હજારથી વધુ મતે હારનો સામનો કર્યા બાદ જીતુ વાઘાણીને ૨૦૧૨માં પશ્ચિમની જવાબદારી સોંપાઈ હતી. જેમાં છેલ્લી બે ટર્મથી તેઓ મોટા માર્જીનથી જીત મેળવી રહ્યા હોય, ભાજપમાં કદ વધ્યું હતું. જેના કારણે ૨૦૨૦માં વાઘાણીને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો હોદ્દો સોંપાયો હતો. ચાર વર્ષ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા બાદ વાઘાણીને પ્રમુખ પદેથી દૂર કરાતા કદ સાથે વેતરી નાંખવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડયું હતું. પરંતુ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પાટીદાર ઈફેક્ટ અને ભૂતકાળના કામોને કારણે વાઘાણીને શિક્ષણનો હવાલો મળ્યો છે.

દવે ભાવનગરના પ્રથમ મેયર-ડે. મેયર બન્યા હતા

૧૯૯૫થી રાજકીય ક્ષેત્રે જંપ લાવનાર વિભાવરીબેન દવે ૨૦૦૦ સુધી નગરસેવિકા રહ્યા હતા. આ સમયમાં તેઓ ભાવનગર મ્યુનિસિપાલિટીના પ્રથમ મહિલા મેયર તેમજ ડેપ્યુટી મેયર પણ રહી ચુક્યા છે. ૨૦૦૭માં ધારાસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ વિભાવરીબેન દવે છેલ્લી ચાર ટર્મથી ધારાસભાની ચૂંટણી જીતતા આવી રહ્યા છે. જેના ઈનામ સ્વરૂપે દવેને રાજ્યમંત્રીનું પદ અપાયુંં હતું. પરંતુ હવે નવા સીએમની નવી પ્રધાનમંડળની ટીમમાંથી તેમનું પત્તું કાપી નાંખવામાં આવ્યું છે. ત્યારે બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ કરતા વિભાવરીબેનના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે.

સૌથી લાંબી મુદ્ત સુધી મંત્રીનો રેકોર્ડ સોલંકીના નામે

ગુજરાત રાજ્યના ઈતિહાસમાં સૌથી લાંબી મુદ્ત સુધી મંત્રીનો પદભાર સંભાળવાનો રેકોર્ડ પુરુષોત્તમ સોલંકીના નામે છે. તેઓ ૧૯૯૬માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પાવડના નિશાન સાથે અપક્ષ તરીકે લડયા હતા. લોકસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા રાજેન્દ્રસિંહ રાણા સામે માત્ર સાત હજારથી વધુ મતે હાર્યા બાદ પુરુષોત્તમ સોલંકીનો ગુજરાતના રાજકારણમાં સૂર્યોદય થયો હતો. કોંગ્રેસના ઉમેદવારથી પણ વધુ મત મેળવનારા સોલંકીને ભાજપના હીરા પારખું મોવડી મંડળ તેઓને ભાજપમાં સમાવી લીધા બાદ છેલ્લી પાંચ મુદ્દતથી તેઓ ધારાસભાની ચૂંટણીમાં અજેય રહ્યા છે. કેશુભાઈ પટેલથી લઈ વિજય રૂપાણીની સરકારમાં કોળી સમાજના નેતા ભાઈને શ્રમ અને રોજગાર, મત્સોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગનો હવાલો સોંપાયો હતો. પુરુષોત્તમ સોલંકીને આનંદીબહેન પટેલની સરકારમાં છ મહિના બાદ અને નરેન્દ્ર મોદીના સીએમ કાળમાં મોડેથી તેમને રાજકીય પ્રેસરવશ મંત્રી બનાવવા ભાજપ મજબૂર બની હતી. ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ રમણલાલ વોરાએ મંત્રી પદ ભોગવ્યું હતું. જો કે, તેમનો આ રેકોર્ડ પુરુષોત્તમ સોલંકીએ તોડી નાંખ્યો છે. ત્યારે નવા મંત્રીમંડળની રચનામાં ભાઈની અવગણના આગામી સમયમાં મોટો ભડકો કરે તો નવાઈ પામવા જેવું નથી.! ઉલ્લેખનિય છે કે, લાંબા સમય સુધી 

મંત્રી મકવાણા જિ.પં.ની ચૂંટણીમાં હાર્યા હતા

મહુવાના ધારાસભ્ય રાઘવભાઈ મકવાણા (આર.સી. મકવાણા)ને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આર.સી. મકવાણા ૧૯૯૬માં ભાજપ સાથે જોડાયા બાદ બક્ષીપંચ મોર્ચાના મહામંત્રી, એક વખત જિલ્લા સંગઠનમાં મહામંત્રી અને બે વખત જિલ્લા સંગઠનમાં જિલ્લા ઉપાધ્યક્ષ તરીકેનો હોદ્દો ભોગવી ચુક્યા છે. આર.સી. મકવાણાને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક વખત હારનો સ્વાદ પણ ચાખવો પડયો હતો. જ્યારે બે વખત તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ધારાસભ્ય બન્યા ત્યારે પણ તેઓ જિલ્લા પંચાયતના સભ્ય હતા. છેલ્લી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નો રિપીટ થિયરીને કારણે આર.સી. મકવાણાની જગ્યાએ બીજા ઉમેદવારને ઉતારવામાં આવ્યા હતા. તેમના પત્ની ભાવનાબેન મકવાણા બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. પ્રથમ ચૂંટણી જીત્યાની સાથે જ જિલ્લા પંચાયતના સભ્યથી શરૂ થયેલી રાજકીય કારકિર્દીમાં આર.સી. મકવાણાને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ફાળવવામાં આવ્યો છે.

The post ભાવનગરમાં નો રિપીટ થિયરી: નવી સરકારમાંથી ‘ભાઈ’ની એક્ઝિટ, કોર્પોરેશનની ચૂંટણી હારનારાને ડાયરેક્ટ મંત્રી પદનો સ્વાદ ચખાડ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next