Advertisement

મેઘો મંડાશે/ જન્માષ્ટમી પર ચોમાસુ ફરી સક્રિય બનશે, આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

08:48 AM Aug 30, 2021 | Bansari |
Advertisement

GSTV

સૌરષ્ટ્રમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ચોમાસુ પાક સુકાઈ રહયો છે ત્યારે આવતીકાલ સોમવારથી સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસુ સક્રિય થાય તેવા સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. સોમવારે જન્માષ્ટમીથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રનાં કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.

જન્માષ્ટમીનાં તહેવારો પર મેઘરાજા મહેર કરશે તેવા નિર્દેશો મળી રહયા છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ પંથકમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર વાસીઓ છેલ્લા એકાદ મહિનાથી સારા વરસાદની રાહમાં છે ત્યારે સારા વરસાદના વાવડથી ખેડૂતોમાં આશા જાગી છે.

મંગળવાર-બુધવારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદના સંજોગો

ગુજરાતમાં સુસ્ત રહેલું ચોમાસુ ફરી સક્રિય થવાના સંજોગો આજે વધુ ઉજળા બન્યા છે. મૌસમ વિભાગ અનુસાર આવતીકાલથી વરસાદની ગતિવિધિઓ ખાસ કરીને દક્ષિણ,ઉત્તર ગુજરાતમાં વધશે અને તા.૩૧ અને ૧ સપ્ટેમ્બર એટલે કે મંગળવાર અને બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તથા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે તીવ્ર પવન વંટોળિયા સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.

સોમવારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયા બાદ વરસાદના ઉજળા સંજોગો બનવાનો વરતારો છે જે ત્રણ-ચાર દિવસ સુધીમાં ૨થી ૮ ઈંચ સુધીનો વરસાદ વરસાવે તેવી શક્યતા છે.સૌરાષ્ટ્રમાં નોમ-દસમના દિવસે ખાસ કરીને રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જ્યારે અન્યત્ર છૂટાછવાયો વરસાદ થશે.

બંગાળનું ‘લો પ્રેશર’ લોકો પરનું દુષ્કાળનું ‘પ્રેશર’ ઘટાડશે

Advertisement

બંગાળની ખાડીમાં આજે હવાનું નીચું દબાણ (લો પ્રેસર) સર્જાયું છે જેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે. આ લો પ્રેસર સૌરાષ્ટ્રના લોકો પર હાલ દુષ્કાળનું પ્રવર્તતુ પ્રેસર ઘટાડે તેવા સંજોગો નિર્માણ થયા છે. મૌસમ વિભાગ અનુસાર સમુદ્ર સપાટીથી ૫.૮ કિ.મી.ની ઉંચાઈ સુધીનું લો પ્રેસર આગામી ચાર પાંચ દિવસ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. એટલે કે વરસાદ લાવતી સીસ્ટમ દક્ષિણ ગુજરાત,ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર પરથી પસાર થશે. આ સાથે જ કલાકના ૪૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે, આટલા તીવ્ર પવનમાં હાલ સાતમ આઠમના તહેવારોને અનુલક્ષીને ઠેરઠેર ઉભા કરાયેલા મંડપ, કમાનો, સુશોભન વગેરેને મજબૂત કરવા જરૂરી છે.

Read Also

The post મેઘો મંડાશે/ જન્માષ્ટમી પર ચોમાસુ ફરી સક્રિય બનશે, આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next