Advertisement

Movie / માર્વેલની લેટેસ્ટ ફિલ્મ Shang-Chi and the Legend of the Ten Rings કેવી છે?

07:33 PM Sep 06, 2021 | Lalit Khambhayata |
Advertisement

GSTV

માર્વેલ સ્ટુડિયોની સુપર હીરો ફિલ્મ અત્યારે થિએટરોમાં ચાલી રહી છે. માર્વેલના ચાહકોને એ આકર્ષી રહી છે. તેના બધા રહસ્યો ઉઘાડા ન પડી જાય એ રીતે ફિલ્મની વાત અહીં કરી છે.

હાલમાં ભારતમાં કોરોના થોડો હળવો પડ્યો હોવાથી દેશભરમાં સિનેમા ખુલી ચૂકયા છે. સિનેમા ખુલ્યા બાદ જોકે દર્શકોને Movie જોવા લઈ આવવા માટે દમદાર ફિલ્મની પણ જરૂર પડે જ. સિનેમા ખુલ્યા ત્યારે દર્શકોને અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમથી ઘણી આશાઓ હતી પરંતુ તેમાં ખાસ સફળતા મળી નહિ. જોકે શુક્રવાર 3 સપ્ટેમ્બરના રિલીઝ થયેલી માર્વેલ સ્ટુડિયોની ફિલ્મ શાંગ ચી દર્શકોને નારાજ કરે તેમ નથી. માર્વેલ સ્ટુડિયોની ફિલ્મો આમ તો દર્શકોનું મનોરંજન કરવામાં કઈ બાકી નથી રાખતી પરંતુ માર્વેલની આ નવી ફિલ્મ તેના ફેસ ટુની શરૂઆત છે. માર્વેલ સ્ટુડિયો દ્વારા તેના ફેસ વનમાં આયરન મેન, હલ્ક, થોર , કેપ્ટન અમેરિકા, બ્લેક વિડો, કેપ્ટન માર્વેલ, બ્લેક પેન્થર, સ્પાયડર મેન વગેરે જેવા સુપર હિરોને લીડ રોલમાં દર્શાવામાં આવ્યા હતા જ્યારે ફેસ ટુમાં દર્શકોને લગભગ દરેક હિરો-હિરોઈનના ચેહરા નવા જોવા મળશે. રોબર્ટ ડ્રાઉની જુનિયર, ક્રિસ એવાન્સ, માર્ક રફાલો, ચાડવિક બોસમેન અને સ્કારલેટ જોન્સન જેવા ધુરંધર કલાકારોને આત્યર સુધી માર્વેલ સ્ટુડિયોની ફિલ્મોમાં મુખ્ય કલાકાર રૂપે જોવા ટેવાયલા દર્શકોને જોકે શાંગ ચી ફિલ્મમાં નવા ચેહરા જોઈને થોડો અનોખો અનુભવ થાય તેમાં નવાઈ નથી પરંતુ આ ફિલ્મની પટકથા દર્શકોને જકડી રાખે તેવી છે.

કલાકાર : સિમુ લીઉ , ઓક્વાફિના, ટોની લેંગ, ફાલા ચેન અને મિશેલ યીઓહ
દિગ્દર્શક : ડેસ્ટિન ડેનિયલ ક્રેટોન
લંબાઇ : 132 મિનિટ
રિલીઝ ડેટ : 3 સપ્ટેમ્બર 2021

માર્વેલ સ્ટુડિયોના ફેસ ટુની આ શરૂઆતી ફિલ્મની શરૂઆત થાય છે વર્ષો જૂની એક માન્યતાથી. વર્ષોથી માનવામાં આવે છે કે કોઈ એલિયન ધાતુની બનેલી 10 રિંગ્સ જે ધારણ કરે છે તેને કોઈ હરાવી નથી શકતુ ઉપરાંત તે વ્યક્તિ અમરત્વ પ્રાપ્ત કરી લે છે. આ રિંગ્સ વળી એક માણસ ધારણ કરી ચૂક્યો છે જેનું નામ છે મેન્ડરીન. મેન્ડરીન પાસે આ રિંગ્સ ક્યાંથી આવી તે કોઈ નથી જાણતું. મેન્ડરીન પાસે આ રિંગ્સ હોવાને કારણે તેને સમગ્ર વિશ્વમાં પોતાનો ખૌફ ફેલાવી રાખ્યો છે પણ તેનાથી તેને સંતોષ નથી. તેવામાં એક દિવસ મેન્ડરીનને જાણવા મળે છે કે દૂર કશે જંગલમાં એક ગામ આવેલુ છે જેનું નામ તાલો છે અને આ ગામના લોકો અદભુત અલૌકિક શક્તિ ધરાવે છે. પોતાની સેનાના બળે મેન્ડરીન તાલો પોહચવાનો પ્રયાસ કરે છે પણ તેમાં સફળ નથી થતો પરંતુ ત્યાં જંગલમાં તેને એક યુવતી સાથે પ્રેમ થઈ જાય છે. આ યુવતી તાલોની રેહવાસી છે માટે મેન્ડરીન તેની સાથે પ્રેમસંબંધ જોડીને તાલો પોહચવાનો પ્રયાસ કરે છે પણ તેના થકી પણ મેન્ડરીનને તાલોમાં પ્રવેશ મેળવવામાં સફળતા નથી મળતી.

વિશ્વના બીજા છેડે – સાન ફ્રાન્સિસ્કો, અમેરિકા
નામ એનું શોન. ભણેલો ગણેલો, હોશિયાર, સાડા પાંચ ફૂટ ઊંચાઇ ધરાવતો મજબૂત બાંધાનો યુવક જે સાન ફ્રાન્સિસ્કોની એક હોટેલમાં વેલેટ પાર્કિગનું કામ કરે છે. શોનની સાથીદાર છે કેટી જે વળી પોતાને ખૂબ સારી ડ્રાઇવર માને છે. શોન કેટીનું રોજીંદુ જીવન સામાન્ય માણસ જેવું જ છે પણ એક સવારે જ્યારે તેઓ પોતાના કામે જતા હોય છે ત્યારે ટ્રામમાં અચાનક ગુંડા શોનને ઘેરી લઈને તેની પાસેથી તેની માંનું આપેલું વર્ષો જૂનું લોકેટ માંગે છે. બદલામાં શોન ના પાડે છે અને શરૂ થાય છે કુંગ ફુ સ્ટાઈલની રસપ્રદ મારામારી. મારામારીમાં તો શોનને કોઈ હરાવી શકે તેમ નથી પરંતુ લોકેટ બચાવવામાં તે નિષ્ફળ જાય છે. ગુંડા લોકેટ લઈ જાય છે તે વાતથી વિચલિત થઈ શોન પોતાની બહેનને બચાવવા મકાઉ જવાનું નક્કી કરે છે. રસ્તામાં શોન કેટીને જણાવે છે કે તે મેન્ડરીનનું સંતાન છે અને મેન્ડરીનના લોહિયાળ કામથી કંટાળી તે ઘર છોડીને ભાગી છૂટ્યા હતો. ત્યારે શોન કેટીને તે પણ જણાવે છે કે તેનું અસલી નામ શાંગ ચી છે. મકાઉ પોહચ્યા બાદ શોનને ખબર પડે છે કે તેની બહેન ઝીલાંગ તેનાથી ખૂબ નારાજ છે કારણ કે શોન તેને નાનપણમાં એકલી મૂકીને ભાગી ગયો હોય છે. શોન પોતાની બહેનને મનાવવામાં સફળ થાય છે ત્યાં તેના પિતા આવી ચડે છે અને બંને ભાઇ બહેનને બંદી બનાવી પોતાની સાથે લઈ જાય છે.

Advertisement

પોતાના બાળકોને ટેન રિંગ્સના હેડક્વોટર પર લઈ આવી મેન્ડરીન તેમને પોતાની સચ્ચાઈ જણાવે છે. મેન્ડરીન જણાવે છે કે તે વર્ષોથી તાલોમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ સફળતા નથી મળી રહી. પોતાના બાળકોનો વિશ્વાસ જીતવા માટે મેન્ડરીન તેમની સામે બહાનું પણ બનાવી જોવે છે પણ તેમાં તે સફળ નથી થતો. શોન અને ઝીલાંગ બંનેને પોતાનાં પિતા પર ભરોસો ન હોવાથી તે બંને ટેન રિંગ્સના હેડકવોટરથી ભાગી છૂટે છે. ભાગવામાં તેમને મદદ કરે છે ટ્રેવર નામનો એક કલાકાર અને મોરિસ નામનું એક અનોખું જીવ જેનો ચેહરો નથી. આ ચેહરા વગરનું જીવ મૂળ તાલોનું રેહવાસી છે માટે તેને તાલો સુધી જવાનો રસ્તો ખબર છે. વાંસના માયાવી જંગલમાં થઈને શોન અને તેની ટુકડી તાલો પોહચવામાં સફળ થાય છે. તાલો પોહચ્યા બાદ શોનની મુલાકાત તેની માસી સાથે થાય છે જે ગામની મુખ્યા પણ છે. શોનની માસી તેને તાલોનું રહસ્ય જાણવે છે અને ત્યાર બાદ શરૂ થાય છે રહસ્ય પર કાબૂ મેળવવાની લડાઈ. ફિલ્મના અંતમાં લડાઈ કોણ જીતે છે અને તાલોનું રહસ્ય શું છે તે જાણવા માટે આ ફિલ્મ જોવી અનિવાર્ય બની જાય છે.

આ ફિલ્મ ભારતમાં લોકડાઉન પછી માર્વેલ સ્ટુડિયોની સિનેમામાં આવેલી પ્રથમ ફિલ્મ છે જે ખરેખર દર્શકોને આકર્ષે તેમ છે. આ ફિલ્મમાં મેન્ડરીનનો રોલ કરનારા એક્ટર ટોની લેંગ ખૂબ  ઉમદા કલાકાર છે જેમના દ્વારા આ ફિલ્મમાં ઘણા એક્શન દૃશ્યો પણ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં વિદૂષકના રોલમાં એકેડમી એવોર્ડ વિજેતા કલાકાર બેન કિંગસ્લે જોવા મળે છે જેમનો રોલ નાનકડો પણ રસપ્રદ છે. આ ફિલ્મમાં છેલ્લે સુધી બેકગ્રાઉન્ડમાં હળવું ચાઈનિઝ મ્યુઝિક વાગે છે જે આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવે છે , આ ફિલ્મના મ્યૂઝિક ડિરેક્ટર જોએલ વેસ્ટ છે. આ ફિલ્મની કથા તો રસપ્રદ છે જ પરંતુ તેની સાથે આ ફિલ્મના એકશન દૃશ્યો પણ ઘણા રસપ્રદ છે. આ ફિલ્મમાં દર્શાવેલ માર્શલ આર્ટના દૃશ્યોનું ખૂબ બારીકીથી ચિત્રણ કરેલું હોવાથી આ ફિલ્મને દર્શકોને સિનેમાહોલની સીટ સાથે ચોંટી રેહવા મજબૂર કરે છે. માર્વેલ સ્ટુડિયોના ફેસ ટુની શરૂઆતી ફિલ્મ હોવાથી આ ફિલ્મના અંતમાં પણ એક નાનકડું રહસ્ય રાખવામાં આવ્યું છે જેના વિશે જાણકારી મેળવવા માટે ફિલ્મ પત્યા બાદ પણ સિનેમાહોલમાં થોડો સમય બેસવું અનિવાર્ય છે.

The post Movie / માર્વેલની લેટેસ્ટ ફિલ્મ Shang-Chi and the Legend of the Ten Rings કેવી છે? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next