Advertisement

ઊભી પૂંછડીએ ભાગેલા નવાબના વારસદારોને જોઈએ હવે જૂનાગઢ, પાકિસ્તાનમાં રહીને કરી આવી ડિમાન્ડ

04:59 PM Sep 14, 2021 | Bansari |
Advertisement

GSTV

જૂનાગઢમાં આઝાદી પહેલા નવાબી શાસન હતું. આઝાદી વખતે જૂનાગઢ નવાબે ભારતમાં ભળવાની ના પાડી હતી. નવાબની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી એટલે તેમણે પોતાના દીવાન ભુટ્ટોની વાત માનીને જૂનાગઢને ભારતમાં ભળવા દીધું ન હતું. એટલે આખુ ભારત 15મી ઓગસ્ટે આઝાદ થયું હતું, પરંતુ જૂનાગઢ છેક 9 નવેમ્બર 1947ના દિવસે ભારતમાં જોડાયું હતું. એ વખતે નવાબ કેશોદના એરપોર્ટ પરથી ઊભી પૂંછડીએ પાકિસ્તાન ભાગ્યા હતા. નવાબ પોતાની સાથે પોતાના કૂતરાઓ લઈ ગયા હતા પરંતુ કેટલીક બેગમોને અહીં જ મુકતા ગયા હતા.

પાકિસ્તાનમાં રહેતા નવાબના વારસદાર મહમ્મદ જહાંગીર ખાન પોતાને આજેય નવાબ માને છે અને જૂનાગઢ પોતાનું હોવાનો તેમને વહેમ છે. એટલે હવે તેમણે એક કાર્યક્રમમાં જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાની વાત કરી છે. જહાંગીર ખાન કહે છે ‘પ્રાઈમ મિનિસ્ટર મોદી સાંભળી લે, જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ બનીને રહેશે’. જહાંગીર ખાને ઈમરાન ખાનને પણ અપીલ કરી છે કે તેઓ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દે. પાકિસ્તાનમાં આ મુદ્દાની ચર્ચા થાય એ માટે જહાંગીરે ડહાપણ કર્યું છે. જોકે પાકિસ્તાની સત્તાધિશો નિયમિત રીતે આ રીતે જૂનાગઢને પાકિસ્તાનમાં ગણાવવાનું ઊંબાડિયું કરતાં રહે છે.

આખા દેશને ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે આઝાદી મળી ગઈ હતી. પરંતુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ એ ત્રણ રાજ્યોના શાસકો આડા ફાટયા હતા. એટલે ભારત સાથે જોડાણનો તેમનો નિર્ણય અટકી પડયો હતો. કાશ્મીરના મહારાજા શું કરવુ એ નક્કી કરી શકતા ન હતા, જ્યારે હૈદરાબાદ અને જૂનાગઢના શાસકો લાંબી બુદ્ધિ વાપર્યા વગર પાકિસ્તાન સાથે જોડાણનો નિર્ણય કરી ચૂક્યા હતા. તેમાંથી જૂનાગઢને ૯મી નવેમ્બર, ૧૯૪૭ના દિવસે આઝાદી મળી હતી. આઝાદી પછી જૂનાગઢનો પ્રજામત પણ લેવાયો હતો. તેમાં માત્ર ૯૧ જણાએ પાકિસ્તાન તરફી મતદાન કર્યું હતું.

આ પહેલા સિંધ હાઈકોર્ટમાં અરજી થઈ હતી, જેમાં ડિમાન્ડ કરાઈ હતી કે જૂનાગઢના નાગરિકોને પાકિસ્તાનનું નાગરિત્વ પણ આપવું જોઈએ. છોટુ મિંયા નામના અરજદારે એ અરજી કરી હતી. તેમણે પોતાના ઉપરાંત સમગ્ર જૂનાગઢની ચિંતા કરી બધાને નાગરિકતા આપવાનો ઝંડો ઉપાડ્યો હતો. અરજદાર છોટુ મિંયા ૨૦૦૭માં જૂનાગઢથી પાકિસ્તાન ગયા હતા. એ પછીથી આજ સુધી તેમને પાકિસ્તાની નાગરિકત્વ મળ્યું નથી. માટે તેમણે કોર્ટમાં આ પ્રકારની અરજી કરી હતી.

Advertisement

આઝાદી વખતે જ્યારે ભારતમાં રજવાડાંઓ ભળી રહ્યાં હતા એ વખતે જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજા હતા. તેમના દિવાન શાહનવાઝ ભુટ્ટો હતા. મહાબતખાન પોતે રાજ-કાજ કરતાં પોતાના ૮૦૦થી વધુ કુતરાંઓને સાચવવામાં વધુ ધ્યાન આપતા હતા. એ દરમિયાન ભુટ્ટોએ જ જૂનાગઢ પાકિસ્તાન સાથે ભળે એવી પેરવી કરી નાખી હતી. જૂનાગઢ જમીનમાર્ગે પાકિસ્તાનથી ઘણુ દૂર છે, જ્યારે દરિયાઈ માર્ગ પણ લાંબો પડે. એ સંજોગોમાં જૂનાગઢ કઈ રીતે પાકિસ્તાનનો ભાગ હોઈ શકે એવો તર્ક ભુટ્ટો કે નવાબના મગજમાં આવ્યો ન હતો. માટે જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાશે એવી જાહેરાત પછી પ્રજા અને સરકાર બન્નેમાં રોષ ફાટી નીકળ્યો હતો.

પાકિસ્તાને જારી કરેલો વિવાદિત નક્શો

તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલે તુરંત પાકિસ્તાની વડાપ્રધાન લિયાકત અલી ખાનને પત્ર લખ્યો હતો, જ્યારે નાયબ વડાપ્રધાન સરદાર પટેલે આ મુદ્દે નવાબને સમજાવવા પોતાના સચિવ-સલાહકાર વી.પી.મેનને જૂનાગઢ મોકલ્યા હતા. જોકે ભુટ્ટોએ બહાનાબાજી કરી અને મેનન સાથે મુલાકાત જ ન કરી. પરિણામે એ પ્રશ્ન વધારે ગૂંચવાયો. પ્રજામાં નવાબ સામે રોષ હતો. માટે એ વખતના આગેવાનો ઉછંગરાય ઢેબલ, રતુભાઈ અદાણી, રસિકલાલ પરિખ, જેઠાલાલ જોશી વગેરેએ મળીને આરઝી હકૂમત (પ્રજાની સત્તા) સંગઠન સ્થાપ્યું હતું.

જૂનાગઢના પાકિસ્તાન તરફી નિર્ણયથી ગાંધીજી વ્યથિત થયા હતા. તેમણે કહ્યુ પણ હતું કે જે રાજ્યમાં બહુમતી પ્રજા હિન્દુ છે એ જૂનાગઢ પાકિસ્તાનમાં દાખલ થયું, એ તો ગજબ જેવી વાત છે! પાકિસ્તાને જૂનાગઢમાંથી પોતાનો હિસ્સો પાછો ખેંચી લેવો જોઈએ એવો પણ ગાંધીજીનો મત હતો. દરમિયાન દિલ્હીમાં આ પ્રશ્ન વાઈસરોય માઉન્ટબેટન સુધી પહોંચ્યો હતો. વાઈસરોયે એવુ સૂચન કર્યું હતું કે જૂનાગઢનો પ્રશ્ન આપણે ઉકેલવાને બદલે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ જઈએ. સરદાર પટેલે આ ઉપાયની ઘસીને ના પાડી દીધી હતી.

માઉન્ટબેટનની સલાહ માનવા નહેરુ તૈયાર હતા, પરંતુ સરદાર પટેલ પોતાની બુદ્ધિ વાપરતા હતા. માઉન્ટબેટને એવી સલાહ આપી હતી કે કાશ્મીર અને જૂનાગઢ બન્ને મુદ્દે સંયમથી વર્તવુ જોઈએ. સરદાર પટેલે ઉપાય બતાવતા કહ્યું હતુ કે નવાબ સીધી રીતે ન માને તો આપણી પાસે કડકાઈનો રસ્તો પણ છે. સરદાર લશ્કર મોકલીને વાતનો છેડો લાવવા માંગતા હતા. પણ માઉન્ટબેટન એ માટે તૈયાર ન હતા. માઉન્ટબેટને એવો સવાલ પણ કર્યો હતો કે જે રાજ્ય (જૂનાગઢ) આપણી સાથે જોડાયુ જ નથી ત્યાં આપણે (એટલે ભારત સરકાર) કઈ રીતે લશ્કર મોકલી શકે? માઉન્ટબેટનને બરાબર ઓળખતા સરદાર પટેલે સામી દલીલ કરતાં કહ્યુ હતું કે જૂનાગઢમાં લશ્કર મોકલવામાં કશો વાંધો નથી, તમે ચિંતા ન કરો. રાજ્ય ભલે ન જોડાયું હોય, પ્રજામત આપણી સાથે જ છે.

જોકે લશ્કર મોકલવું પડે એવી સ્થિતિ આવે એ પહેલા આરઝી હકૂમતની આક્રમકતાથી ડરીને નવાબ અને ભુટ્ટો બન્ને જૂનાગઢને રેઢું મુકીને ૮મી નવેમ્બરે કેશોદના એરપોર્ટ પરથી પાકિસ્તાન ભાગી ગયા હતા. આઝાદીના ત્રણેક મહિના પછી લોકમત પણ લેવાયો હતો. ત્યારે જૂનાગઢ રાજ્યના મતદારો ૨,૦૦,૫૬૯ હતા. તેમાંથી કુલ ૧,૯૦,૭૭૯ લોકોએ મતદાન કર્યું હતું. એમાંથી માત્ર ૯૧ વ્યક્તિઓ જ એવા હતા જેમને પાકિસ્તાનમાં જોડાવુ હતું. એટલે કે ૯૯.૯૯ ટકા લોકોએ જૂનાગઢ ભારતમાં રહે તેની તરફેણમાં મત આપ્યો હતો.

મહાબતખાન મકબરા

જૂનાગઢના જોડાણનો ફાયદો આખા સૌરાષ્ટ્રમાં મળ્યો. જૂનાગઢ સૌરાષ્ટ્રનું સૌથી મોટું રજવાડું હતું. તેના વિલિનિકરણને કારણે અન્ય રાજ્યોએ ભારત સાથે જોડાવામાં કોઈ આના-કાની કરી ન હતી. કેમ કે આના-કાની કરે તો શું થાય તેનું પરિણામ જૂનાગઢમાં નજરોનજર દેખાઈ રહ્યું હતું.

જૂનાગઢ-પાકિસ્તાન વચ્ચે સેતુ સાવ તૂટયો નથી. કેમ કે કેટલાક જૂનાગઢના મુસ્લીમ પરિવારો પાકિસ્તાન સાથે સામાજિક વ્યવહાર ધરાવે છે. કાયદેસર પ્રક્રિયા કરી આ પરિવારો એકબીજા દેશો વચ્ચે આવન-જાવન કરતાં રહે છે.

Read Also

The post ઊભી પૂંછડીએ ભાગેલા નવાબના વારસદારોને જોઈએ હવે જૂનાગઢ, પાકિસ્તાનમાં રહીને કરી આવી ડિમાન્ડ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next