Advertisement

શોકિંગ વીડિયો/ વિફરેલી ગાયે મહિલાને ઢીકે ચડાવી 2 મિનિટ સુધી રસ્તા પર રગદોળી, હચમચી જશો એવો છે વીડિયો

11:24 AM Aug 11, 2021 | Bansari |
Advertisement

GSTV

જામનગર શહેરમાં રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. તેવામાં વધુ એક શહેરીજન આ રખડતા ઢોરના આતંકનો ભોગ બન્યો છે. રખડતા ઢોરના આતંકનો એક હચમચાવી નાંખે એવો વીડિયો સામે આવ્યો છે જેમાં રખડતી ગાયે એક મહિલાને ઢીકે ચડાવી અને સતત બે મિનિટ સુધી મહિલા પર હુમલો કર્યો જેના કારણે મહિલા ગંભીર રૂપે ઘાયલ થઇ છે. ગાયની ચુંગાલમાંથી મહિલાને છોડાવવા માટે આસપાસના લોકોએ પ્રયાસ કર્યો જેના કારણે મહિલા માંડમાંડ બચી છે.

રણજીત રોડ પરનો બનાવ

જામનગર શહેરના રણજીતરોડ પર આવેલી ચૌહાણ ફળી શેરી નંબર 2માં આ ઘટના બની હતી. રાજકોટમાં રહેતા કાશ્મીરાબેન ગોહિલ તેમના પિતાને ત્યાં આવ્યા હતા. કાશ્મીરા બહેન પોતાના ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જ એક ગાય તેની પાછળ પડી હતી. કાશ્મીરાબેને ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, ગાયે તેમને અડફેટે લીધાં અને હવામાં ફંગોળીને જમીન પર પટકાવી દીધા હતા. મહિલા સતત ઊભા થવાનો પ્રયાસ કરતા રહ્યા પણ થઈ ના શક્યા. સતત બે મિનિટ સુધી ગાયે ઢીંકે ચડાવતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

માતાને બચાવવા દિકરીએ હિંમત બતાવી

સાંકડી એવી શેરીમાં જ્યારે ગાયે મહિલાને ઢીકે ચડાવી ત્યારે શેરીમાં લોકોની અવરજવર ન હતી. પોતાની માતા પર ગાયે હુમલો કર્યાનું પુત્રીને ધ્યાને આવતા બચાવવા માટે પુત્રી દોડી આવી હતી અને માતાને ગાયની ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો હિંમતભર્યો પ્રયાસ કર્યો હતો. ગાયે બે વાર પુત્રીને પણ હવામાં ફંગોળીને દૂર ફેંકી દીધી હતી.

લોકોએ માંડ બચાવ્યો મહિલાનો જીવ

ગાય સતત બે મિનિટ સુધી મહિલા પર હુમલો કરતી રહી, આ સમયે આસપાસથી અન્ય લોકો પણ આગળ આવ્યા હતા અને મહિલાને ગાયની ચંગૂલમાંથી છોડાવવાના પ્રયાસ કર્યા હતા. લોકોએ સાથે મળીને મહામહેનતે મહિલાને ગાયના ચંગુલમાંથી મુક્ત કરાવી હતી.

મહિલાને સારવાર માટે ખસેડવામા આવી

Advertisement

ગાયના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.

ક્યારે જાગશે મનપા સત્તાધીશો?

જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. આવા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવી ચુક્યા છે. શહેરનો કોઈપણ વિસ્તાર એવો નહીં હોય કે, જ્યાં રખડતા ઢોરનો ત્રાસ નહીં હોય. જામનગર મનપાના સત્તાધીશો અને અધિકારીઓ આવી ઘટનાઓ સામે આવવા છતાં આંખ આડા કાન કરતું આવ્યું છે. લોકો અવારનવાર રખડતા ઢોરના ત્રાસનો ભોગ બનતા રહે છે તેનો આ વીડિયો વધુ એક પુરાવો છે. ત્યારે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જામનગરવાસીઓને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા આખરે મનપાના સત્તાધીશો ક્યારે જાગશે?

Read Also

The post શોકિંગ વીડિયો/ વિફરેલી ગાયે મહિલાને ઢીકે ચડાવી 2 મિનિટ સુધી રસ્તા પર રગદોળી, હચમચી જશો એવો છે વીડિયો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next