Advertisement

ટેકનોલોજીનો સદ્ઉપયોગ / ભારે વરસાદથી રોડને કેટલું થશે નુકસાન એ હવે જાણી શકાશે : IITGNના સંશોધકોએ વિકસાવ્યું ખાસ પ્રકારનું વૈજ્ઞાનિક મોડેલ

07:07 PM Oct 25, 2021 | Lalit Khambhayata |
Advertisement

GSTV

ગુજરાતમાં અત્યારે રસ્તાની રામાયણ ચાલી રહી છે. ચોમાસામાં તૂટી ગયેલા રસ્તા આવતું ચોમાસુ આવે ત્યાં સુધીમાં રિપેર થાય તો થાય એવી હાલત છે. એ વચ્ચે આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોએ એક રસપ્રદ સંશોધન રજૂ કર્યું છે, જેમાં વરસાદથી રોડ-રસ્તાના નેટવર્કને કેટલું નુકસાન થશે એ જાણી શકાશે. અગાઉથી જાણી શકાય એટલે ઘણી જગ્યાએ તો રોડ-રસ્તા બંધ કરીને પહેલેથી જ લોકોને ત્યાં જતા અટકાવી શકાય. એ રીતે જાનહાની કે અન્ય ખાનાખરાબી પણ અટકી શકે. અલબત્ત, વરસાદથી ક્યો રસ્તો તૂટશે, ક્યો પુલ બેસી જશે, ક્યો રેલવે ટ્રેક ઉખડી પડશે.. એની સો ટકા આગાહી શક્ય નથી. પરંતુ અકસ્માત સંભવિત વિસ્તારો ઓળખવા અશક્ય નથી.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી-ગાંધીનગર (IITGN) ના પ્રોફેસર ઉદિત ભાટિયાની આગેવાની હેઠળ રવિરાજ દવે અને શ્રીકૃષ્ણન શિવા સુબ્રમણ્યમ સહિતના સંશોધકોની ટીમ આ મહત્વના મુદ્દા પર કામ કરી રહી છે અને ભારે વરસાદથી સડક પરિવહનને થતા નુકસાનની સાચી તીવ્રતાને ચોક્કસ રીતે સમજવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે એક સાયન્ટિફિક આગાહી મોડેલ વિકસાવ્યું છે. આ આપત્તિ મોડેલ હાઇવે પર પૂરનાં મુદ્દાઓને ઉકેલવા અને સામાજિક-આર્થિક વિક્ષેપોને ઘટાડવા માટે મજબૂત અને સુરક્ષિત કરવાની જરૂર હોય સંચાલકોને એવા ‘હોટસ્પોટ્સ’ ઓળખવામાં મદદ કરી શકે છે.

આ ફ્રેમવર્ક માટે એક હાઈ-રીઝોલ્યુશન ડિજિટલ એલિવેશન મોડેલ (DEM) ની જરૂર હોય છે, જે આ ભૂપ્રદેશના રોડ નેટવર્ક અને દૈનિક વરસાદના ડેટા દ્વારા ભૂસ્ખલન, ડેબ્રિસના પ્રવાહ અને પૂર માટે એક અંદાજિત જળાશય વિસર્જન ડેટાનું વિશ્લેષણ કરી શકે. ઘટનાનો સમય (ટેમ્પોરલ), સ્થાન (અવકાશી, હોટસ્પોટ પિક્સેલ્સ), અને આ મોડેલ દ્વારા પૂરા પાડવામાં આવેલ માળખાકીય વિક્ષેપોની તીવ્રતાનો અંદાજ બળ, ક્ષણ સંતુલન અને મૂળભૂત સંરક્ષણ સિદ્ધાંતો (દળ અને ગતિ સંતુલન)ના સમીકરણોના આધારે પુનરાવર્તિત સંખ્યાત્મક ગણતરીનો ઉપયોગ કરીને દ્વારા કરવામાં આવે છે.

આ મોડેલના મહત્વ વિશે વિસ્તૃત રીતે જણાવતા IITGNના સિવિલ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રો. ઉદિત ભાટિયાએ કહ્યું કે, “આપત્તિ પહેલાની તૈયારી અને આપત્તિ પછી પુન:સ્વસ્થતા પ્રાપ્તિ માટે જોખમોને સારી રીતે સમજવું એ સ્થિતિસ્થાપકતા વધારવા માટેનું પ્રથમ પગલું છે. અમારા મોડેલિંગ ફ્રેમવર્કના પરિણામો સૂચવે છે કે જો આપણે એક સાથે બનતી ગંભીર ઘટનાઓને ધ્યાનમાં ન લઈએ, તો તે આપણી આપત્તિની તૈયારીને નબળી બનાવી શકે છે, અને આપણે કાર્યક્ષમતાના નુકસાનને 70% જેટલું ઓછું આંકી શકીએ છીએ.”

સંશોધન ટીમ ઘટનાનો સમય અને ભારે વરસાદ પછી જ્યાં પૂર, ભૂસ્ખલન અને કાટમાળ પ્રવાહ થવાની સંભાવના છે તેવા ભૌગોલિક સ્થળોની આગાહી કરવા માટે ઉપગ્રહની તસવીરો, સ્વ-વિકસિત ભૂસ્ખલન અને કાટમાળ પ્રવાહ મોડેલો, અને અત્યાધુનિક પૂર આગાહી મોડેલનો ઉપયોગ કરે છે. તે એવા વિસ્તારોમાં ભૂસ્ખલન, ડેબ્રિસના પ્રવાહ અને પૂરને કારણે માળખાકીય વિક્ષેપની તીવ્રતાની આગાહી પણ કરે છે. તૈયાર થઈ રહેલું આ મોડેલ આખા જગતમાં ક્યાંય પણ લાગુ કરી શકાય છે જ્યાં મોડેલ કેલિબ્રેશન અને માન્યતા માટે જરૂરી અવલોકનો ઉપલબ્ધ છે. આ કાર્યના તારણો તાજેતરમાં જ યુનાઇટેડ કિંગડમની ભૌતિકશાસ્ત્ર સંસ્થા દ્વારા પ્રકાશિત આંતરરાષ્ટ્રીય જર્નલ પર્યાવરણ સંશોધન લેટર્સમાં પ્રકાશિત થયા છે.

Advertisement

આ મોડેલના પરિણામો રોડ નેટવર્કની અંદર ઓછામાં ઓછી સંવેદનશીલ અને સૌથી વધુ સંવેદનશીલ લિંક્સ (હોટસ્પોટ પિક્સેલ્સ)ને શોધી કાઢે છે અને જેને મજબૂત કરવાની જરૂર છે તેવા રોડ સેગમેન્ટ્સના સ્થળો નક્કી કરવામાં મદદ કરે છે, જે આખરે ભારે વરસાદની કટોકટીની પરિસ્થિતિ દરમિયાન સામાજિક અને આર્થિક વિક્ષેપો ઘટાડી શકે છે. ટીમ દ્વારા વિકસાવવામાં આવેલા ભૂસ્ખલન મોડેલો પ્રવર્તમાન વનસ્પતિ આવરણ, જમીન ઉપયોગની લાક્ષણિકતાઓ, પાણીના પ્રવાહની લાક્ષણિકતાઓ, અને જમીનને જકડનારા ગુણધર્મોને પણ ધ્યાનમાં લે છે. દરેક પિક્સેલ પર ઢાળની સ્થિરતાની ગણતરી કરવા માટે આ તમામ પરિમાણો તેમના ગાણિતિક મોડેલમાં ફીડ કરવામાં આવે છે. બીજી બાજુ, આ મોડેલ દરેક સ્થિરીકરણના પ્રયત્નો (દા.ત. વનસ્પતિના આવરણમાં ફેરફાર, દરેક સ્થળે મજબૂતીકરણ)ની ઢાળની સ્થિરતા પર થતી અસરનો અંદાજ પણ લગાવી શકે છે.

The post ટેકનોલોજીનો સદ્ઉપયોગ / ભારે વરસાદથી રોડને કેટલું થશે નુકસાન એ હવે જાણી શકાશે : IITGNના સંશોધકોએ વિકસાવ્યું ખાસ પ્રકારનું વૈજ્ઞાનિક મોડેલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next