Advertisement

સાવધાન / ભારે વરસાદથી ગિરનારની સીડી પર કાટમાળ ખડકાયો : 1887માં બનેલાં પગથિયાં પર ચાલવુ બન્યું મુશ્કેલ

06:52 PM Sep 14, 2021 | Bansari |
Advertisement

GSTV

જૂનાગઢમાં ભારે વરસાદની અસર ગિરનારની સીડી પર થઈ છે. સીડીના અનેક પથ્થરો સ્થાન પરથી ખસીને આમ-તેમ વિખરાયા છે. માટે ગિરનાર પર ચડતા-ઉતરતાં ભક્તો-મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ પણ સીડી સદી કરતા વધારે જૂની છે. નવાબી કાળમાં તેનું બાંધકામ થયું હતું. માટે તેના પથ્થરો જરા-તરા ખસતા રહેતા હોય છે. પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં પડેલા ભારે વરસાદે સીડીના પથ્થરોને ડગમગાવી દીધા છે. રંકથી માંડી રાજાના પગ પડયા છે તેવી ગિરનાર સીડી સવાસો વર્ષથી અડીખમ છે. સૌ પ્રથમ ગિરનાર સીડી સોલંકી વંશના રાજવી કુમારપાળના સમયમાં બની હતી. ત્યારબાદ જર્જરિત થતા નવાબી શાસનમાં લોટરીની ટિકિટ બહાર પાડી સીડી બનાવાઈ હતી.

સીડી ઉપરાંત આસપાસની ભેખડના પથ્થરો પણ સીડી પર આવી ગયા છે. ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે આ સ્થિતિ સમગ્ર સીડી પર નથી. પરંતુ તો પણ નુકસાન થવાને કારણે ગિરનાર જનારા પ્રવાસીઓ માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ છે. સીડી પર આસપાસના વૃક્ષો પણ ફસી પડ્યા છે. આ પગથિયા વહેલી તકે રિપેર થાય એ બહુ જરૃરી છે, કેમ કે રોજ સેંકડો ભક્તો ગિરનાર આરોહણ-અવરોહણ કરે છે.

ગિરનાર લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ છે. ધાર્મિક ભાવના ઉપરાંત સાહસિક વૃત્તિ ધરાવતા પ્રવાસીઓ નિયમિત રીતે ગિરનાર આરોહણ-અવરોહણ કરે છે. એમને હવે આવા પગથિયા પર વધારે સાહસ કરવું પડશે. હિમાલયથી પણ પ્રાચીન એવા સિધ્ધક્ષેત્ર ગિરનાર પર્વતનું મહત્વ રાજા મહારાજાઓ પણ સમજતા હતાં. ગિરનાર પર સૌ પ્રથમ વખત સોલંકી વંશના રાજવીએ આજથી એક હજાર વર્ષ પૂર્વે સીડી બનાવી હતી. ત્યારબાદ સીડી ધસાઈ જતા દિવના સંઘજી મેઘજીએ જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. સંઘજી મેઘજીએ જીર્ણોધ્ધાર કરાવ્યા પછી ગિરનાર સીડી જીણસીર્ણ થઈ ગઈ હતી.

ત્યારે નવાબને નવી સીડી બાંધવાની જરૂર હોવાનું જણાયું હતું. પરંતુ તેમાં ખર્ચ ખુબ થાય તેમ હતું આથી દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈ, રાજયના ડો. ત્રિભોવનદાસ મોતીચંદ શાહ કમિટીએ સીડી બનાવવા ગિરનાર લોટરીની ટિકીટ બહાર પાડવા નક્કી કર્યું હતું. ૧૮૮૭-૮૮માં ગિરનાર સીડી બનાવવા લોટરીની ટિકીટ બહાર પાડી હતી. અને પહેલું ઈનામ ૪૦ હજાર રાખવામાં આવ્યું હતુ. આ ટિકીટ સમગ્ર એશિયાના લોકોએ ખરીદ કરી હતી. પરંતુ પુરતી ટિકીટ વેંચાઈ ન હતી. આથી લોટરીનું પ્રથમ ઈનામ ૪૦ના બદલે ૧૦ હજાર કરવામાં આવ્યું હતું. અને તે ઈનામ મુંબઈના સવિતાબેન ખાંડવાળાને પ્રાપ્ત થયું હતું.

Advertisement

ગિરનાર સીડીનું ક્રમે ક્રમે કામ થયા બાદ ૧૯૦૮ માં તળેટીથી માંડી દતાત્રેય સુધીની કાળા પથ્થરની સીડી તૈયાર થઈ ગઈ હતી. ૧૯૦૮ બાદ આ સીડી પર રંકથી માંડી અનેક રાજા મહારાજાના પગ પડયા છે. અને ૧૨૦ વર્ષથી આ સીડી અડીખમ છે. પરંતુ તેના કેટલાક પથ્થરો સમય સાથે જર્જરીત થતાં જાય છે અને સ્થાન પરથી હટી ગયા છે.

Read Also

The post સાવધાન / ભારે વરસાદથી ગિરનારની સીડી પર કાટમાળ ખડકાયો : 1887માં બનેલાં પગથિયાં પર ચાલવુ બન્યું મુશ્કેલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next