Advertisement

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

10:30 PM Oct 28, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

કોન્સ્ટેબલ અને હેડકોન્સ્ટેબલના ગ્રેડ-પેના વધારાની માંગણી સાથે પોલીસ કર્મીઓએ થોડાક દિવસો અગાઉ સોસીયલ મીડિયાના માધ્યમથી સરકાર સામે આંદોલન છેડયું હતું, પરંતુ સરકારની રાજરમત અને કાવા દાવા આગળ એવી તે ખીચડી રંધાઈ કે ગ્રેડ-પેના આંદોલન મુદ્દે પાંચ સભ્યોની સમિતિનું નિર્માણ સરકારે કરી દીધું અને અનિશ્ચિત મુદતની લોલીપોપ પોલીસ કર્મીઓને આપી દીધી છે. મહત્વનું છે કે પોલીસના ગ્રેડ-પેમાં વધારો અને અન્ય માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતભરના પોલીસ કર્મીઓ અને તેઓના પરિવારજનો આંદોલન કરી રહ્યા હતા. ત્રણ દિવસ સુધી સરકારના પેટનું પાણી પણ હલ્યું નહિ અને જ્યારે રાજ્ય સરકારને ગ્રેડ-પે આંદોલનની ગંભીરતા અને આંદોલનના કારણે આગામી ઇલેક્શનમાં થનારા નુકશાની અંગેની સમજ પડી એટલે તરત જ પસંદગીના IAS અને IPS અધિકારીઓ કે જેઓ સરકારની ગુડ બુકમાં સામેલ છે તેઓ આ સમગ્ર આંદોલનમાં ઉતર્યા. ત્યારબાદનું આખુંય ચલચિત્ર બદલાઈ ગયુ.

છેલ્લા બે દિવસ એટલેકે મંગળવારની સવારથી ગાંધીનગરના સેકટર-6માં આવેલી સત્યાગ્રહ છાવણીમાં આંદોલન પર બેઠેલા પોલીસકર્મીઓના પરિવારજનોને આ ચુનિદા અધિકારીઓએ બેસવા દીધા, પરંતુ ત્રીજા દિવસ એટલે કે બુધવારની મોડી રાત્રે દોઢથી બે વાગ્યાના અરસામાં આંદોલન પર બેઠેલા પોલીસકર્મીઓના પરિવારજનોને સામ, દામ, દંડ અને ભેદની નીતિ વાપરીને પોલીસે ઉઠાડી દીધા.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની થિંક ટેન્ક ગણાતા પોલીસ અધિકારીઓ અને ઘણાંખરાં વહીવટી માળખાના ઉચ્ચ અધિકારીઓએ આંદોલનને કેવી રીતે સમેટી નાખવું તેનો તખ્તો તૈયાર કરી નાખ્યો હતો અને બુધવારની મોડી રાત્રે જ આ પ્લાનને એક્શન મોડમાં મૂકી દેવામાં આવ્યો હતો. બાદમાં ગુરુવારની બપોરે ગૃહવિભાગના અધિકારીઓ અને સરકારની થિંક ટેન્ક ગણાતા અધિકરીઓ વચ્ચે વાતચીત થઈ અને એક ગ્રેડ-પેમાં વિવાદને સમેટી નાખવાની સમિતિનું ગઠન કરવાનું નક્કી કરવામા આવ્યું. જેમાં નીચે મુજબના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી.

  • 1 બ્રજેશ કુમાર ઝા- (એડિજીપી વહીવટ)
  • 2 ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના સચિવ
  • 3 ગૃહ વિભાગના નાયબ સચિવ
  • 4 જી.એ.ડી વિભાગ ના નાયબ સચિવ
  • 5 પોલીસ વિભાગના નાણાં વિભાગના ચીફ એકાઉન્ટ ઓફિસર

મહત્વનું છે કોઈ પણ આંદોલનને તોડી પાડવામાં માહિર ગણાતી આ સરકાર ફરી એક વખત સાબિત કરી બતાવ્યું કે “હમારે સામને ઉઠને વાલી હર આવાઝ કો દબા દિયા જાયેગા” અને આ હિન્દી ફિલ્મના ડાયલોગને ભાજપ સરકારે સાબિત કરી બતાવ્યું. બીજી તરફ એક લોકમુખે એવી પણ વાતો આ ગ્રેડ-પે આંદોલનને લઈને ચર્ચાઈ રહી છે કે નવી સરકાર આવવાથી જૂની સરકારના કેટલાક ચોક્કસ રાજકારણીઓએ આ આંદોલન ઉભું કર્યું હતું, પરંતુ કહેવાય છે ને કે સત્તા આગળ શાણપણ હમેશા નકામું સાબિત થતું હોય છે અને આ વખતે પણ ગ્રેડ-પે ના આંદોલનમાં કંઈક એવું જ થયું. જેના લીધે ગ્રેડ-પેના આંદોલનની માંગણીઓ સંતોષવાનું તો ઠીક પરંતુ તેનું બાળ મરણ થઈ ગયું. ત્યારે હવે ગ્રેડ-પેમાં વધારાની માંગણી સાથે રસ્તા પર આવેલા પોલીસ કર્મીઓને ન્યાય મેળવવા માટે અને પોતાનો હક્ક મેળવવા માટે સરકારે રચેલી સમિતિ ઉપર નિર્ભર રહેવું પડશે. તે વાત તો સનાતન સત્ય છે એટલે ગ્રેડ-પે ના વધારા અને તેની સાથે જોડાયેલી પોલીસની અન્ય માંગણીઓને સંતોષવા માટે હવે સરકારે પોલીસકર્મીઓને ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ આપી દીધી છે.

Read Also

Advertisement

The post પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next