Advertisement

આનંદીબેનની સ્ટાઇલમાં ગર્જ્યા રાજેન્દ્ર ત્રિવેદી : તમે કોણ શું કરો છો તે બધી ખબર છે, બહુ થયું હવે હવે બંધ કરી દો

05:02 PM Oct 22, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

રાજયનાં મહેસુલ તંત્રમાં વિલંબ, વહિવટ અને વચેટિયારાજની ફરિયાદો ખોટી નથી એવો રવૈયો આજે ખૂદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ કલેકટરો, પ્રાંત અધિકારીઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં દાખવી બેઠા હતાં. કેટલીક ફાઈલો પહેલાં દફતરે કરી દેવામાં આવે અને પછી એ જ ફાઈલ એ જ અધિકારી મંજૂર પણ કરી નાખે તેની પાછળના કારણ અંગે આશ્ચર્ય સાથે પ્રશ્નાર્થ ખડો કરીને તેમણે અમલદારોને સુધરી જવા ચેતવણી આપી હતી. વર્ષોથી ભાજપ જ સત્તા પર છે ત્યારે સરકારમાં અત્યાર સુધી અંધેર ચાલ્યું કે પછી હવે જૂના નેતાઓના માનીતા અમલદારોનો દાવ લેવો શરૂ થયો છે? આ બેમાંથી સાચું શું તે પ્રશ્ન આ વીડિયો કોન્ફરન્સ બાદ ઊભા થયા છે.

મહેસુલ મંત્રી તરીકે રાજયભરના જિલ્લા કલેકટરો અને નાયબ કલેકટરો સાથેની તેમની પ્રથમ સામૂહિક (અને વર્ચ્યુઅલ) બેઠક માટે ગાંધીનગરથી તમામ જિલ્લાઓને લંબાણપૂર્વકની પૂર્વ તૈયારીના આદેશ છૂટયા ત્યારથી અધિકારીઓ મુદ્દા આધારિત વિગતો તૈયાર કરાવવા રજામાં પણ કામે લાગ્યા હતા પરંતુ મંત્રી ઉઘડો લેશે એવો અંદાજ કદાચ કોઈને ન્હોતો!

કેસોના ભરાવા બાબતે નારાજગી દાખવીને તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે દોઢ-બે વર્ષે કેસનો નિવેડો ન આવે તે કેવું! સિવિલ કોર્ટ જેમ રેવન્યુ કોર્ટમાં વાર ન લગાવી જોઈએ, ફટાફટ મુદ્ત આપીને કેસ નિપટાવવા જોઈએ, અરજદારોએ છેક ગાંધીનગર ધક્કો ખાવો પડે ત્યાં સુધી નિકાલ ન થાય તે ન ચાલે, મંજૂર કે નામંજૂર – જે પણ નિર્મય હોય તે ઝડપથી આપી દેવો જોઈએ વગેરે સૂચના સાથે તેમણે એ બાબતે તમામને વેધક સવાલ કર્યો કે, અરજી દફતરે કરવી એ વળી શું!? યા તો મંજૂર અથવા ના મંજૂર રાખો.” અને પૂર્તતા માટે પછીથી કોઈ મહત્વના કાગળો, ઉમેરાયા હોય તો ઠીક છે, બાકી દફતરે કરેલી અરજી થોડા સમય પછી મંજૂર રહી જાય તો શું સમજવું તેવો સૂચક – વેધક અંગુલીનિર્દેશ પણ કરાયો હતો, અને આવા કેસોમાં સમયાંતરે પોતે વિગત પૂછશે તેમ પણ કહ્યું હતું.

રાજકોટ જિલ્લામાં બિનખેતીની સવા-સો જેટલી ફાઈલો રીજેક્ટ થઈ હોવાનો રેવન્યુ પ્રેકટિશનરોનો આક્રોશ હજુ શમ્યો નથી એવામાં રાજકોટમાં છેલ્લા ત્રણ મહિનામાં અપીલના કેસોનો નિકાલ અટક્યાની પણ ટકોર કરીને મંત્રીએ અપીલના કેસો માટેનું બોર્ડ સપ્તાહમાં એક દિવસને બદલે બે દિવસ ચલાવવા તમામ કલેકટરોને સૂચના આપી હતી.

Advertisement

ભુપેન્દ્ર પટેલની સરકારના સો દિવસને અનુલક્ષીને તેમણે ડિસેમ્બરના મધ્ય સુધીમાં (૧) કેસોના ઝડપી નિકાલ (૨) ગામતળ નીમ કરવા (૩) વણકર સમાજ વગેરેના મફત પ્લોટ (૪) સાથણીની જમીનોના કબ્જા (૫) સેવા સેતુમાં બહેતર સુવિદા વગેરે બાબતે લક્ષ્યાંક આપ્યા છે.

કલેકટરોએ તેમને ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેના લાંબા ભાડાં પટ્ટાના પ્લોટ પ્રીમિયમ વસૂલીને ફાળવવા બાબત, સાથણીના જૂના પંચરોજ કામ ન હોવાથી રિજેકટ થતી અરજીઓ વિશે નીતિવિષયક નિર્ણય લેવા બાબત, કુલ હિસ્સા પૈકી અમૂક જમીન વેચનારને નવા ૭-૧૨ બનાવવા માટે કરાવવી પડતી ફેરમાપણી ટાળવા બાબત, તથા અન્ય કેટલીક બાબતે સુધારણા માટે સૂચન કર્યા હતાં.

વીડિયો કોન્ફરન્સમાં રેવન્યુ સેક્રેટરી કમલ દયાની, જમીન સુધારણા કમિશનર પી.સ્વરૂપ, સ્ટેમ્પ ડયુટી સુપ્રિન્ટેડન્ટ દિનેશ પટેલ, સેટલમેન્ટ કમિશ્નર, રાહત કમિશ્નર સહિત ઊચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતાં. મંત્રીએ શરૂઆતમાં સવારે ૧૧થી ૧૨ અને બાદમાં સાંજે ૪ થી ૫ હાજરી આપી તે સહિત આ મેરેથોન કોન્ફરન્સ છ કલાક ચાલી હતી.

મુખ્યમંત્રી બન્યા પહેલાં આનંદીબેન પટેલ જ્યારે મહેસુલ ખાતું સંભાળતા હતા એ વખતે મહેસુલી અધિકારીઓની અનેક બેઠકોમાં આકરી ભાષામાં ઝાટકણી કરવા માટે તેઓ પંકાયેલા હતા. આજે રાજેન્દ્ર ત્રિવેદીએ પણ એવી જ લઢણમાં શરૂઆત કરી એવો ગણગણાટ અધિકારીઓમાં સંભળાતો હતો.

બસ્સો જેટલાં અમલદારોને બંધ બેસતી પાઘડી નહીં પહેરી લેવાનું કહ્યા બાદ વાત વાળી લીધી

મહેસુલ મંત્રીએ બસ્સોથી વધુ આઇએએસ – જીએએસ અમલદારો સામે વિડીયો કોન્ફરન્સમાં બેઠક જમાવતાં વેંત કહ્યું કે, ‘તમે લોકો કર્યાં શું કરો છો તે બધી જ મને ખબર છે, હું પણ વકીલ તરીકે કામ કરી ચૂક્યો હોવાથી જુદી જુદી ઓફિસોથી વાકેફ છું, કોઇએ બંધ બેસતી પાઘડી પહેરી ન લેવી. કોઇનો નામોલ્લેખ કરવા નથી માગતો.” કોઇએ પોતાની ઉપર ન લઇ લેવું, પણ હવે બધું બંધ કરી દેજો. એવી ગર્ભિત ચીમકી પણ તેમણે આપી હતી.

અલબત્, શરૂઆતમાં આ રીતે કડકાઇ દાખવ્યા પછી તેમણે તમામ અધિકારીઓ સારૂં કામ કરે જ છે તેમ કહીને વાત વાળી લીધી હતી, તથા અધિકારીઓને ક્યાં શું તકલીફ પડે છે, કામકાજની પદ્ધતિમાં શું સુધારો લાવવો જોઇએ તેના સૂચનો પણ તેમની પાસેથી માગ્યા હતા.

ALSO READ

The post આનંદીબેનની સ્ટાઇલમાં ગર્જ્યા રાજેન્દ્ર ત્રિવેદી : તમે કોણ શું કરો છો તે બધી ખબર છે, બહુ થયું હવે હવે બંધ કરી દો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next