Advertisement

ભર ચોમાસે ઉનાળો? બનાસકાંઠામાં ઓછો વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી, જળાશયોમાં પાણીનો જથ્થો ખાલી

01:22 PM Aug 17, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

બનાસકાંઠા જિલ્લાના ત્રણેય જળાશયો ખાલી હોવાથી ખેડૂતોએ કરેલું ચોમાસું વાવેતર સૂકાવા લાગ્યું છે. બીજી તરફ વરસાદ ખેંચાતા ડીસાના ખેડૂતોની મુશ્કેલી વધી છે. એક તરફ ભૂગર્ભ જળસ્તર ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે તો બીજી તરફ વરસાદ ખેંચાતાં ચોમાસું વાવેતર સૂકાઈ રહ્યું છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી ચોમાસું વાવેતર કર્યું હતું. સાથો સાથ પશુપાલન સાથે જોડાયેલા લોકોની હાલત પણ બદતર બની છે. ઘાસચારા માટે પણ ખેડૂતોને ફાંફા મારવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધી બનાસકાંઠા જીલ્લામાં માત્ર 37 ટકા જેટલો જ વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે.

ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામી શકે છે

જો કે, અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાંથી મેઘરાજાએ છેલ્લા બે સપ્તાહથી વિરામ લઇ લીધો છે. રાજ્યમાં હજુ સુધી ૧૨.૨૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૭.૦૯% વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની ૪૮% ઘટ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી ગુરુવારથી શનિવાર દરમિયાન ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડી પર આગામી ૧૭ ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બંગાળની ખાડી પર આગામી ૧૭ ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થઇ શકે છે. હવામાન વિભાગના મતે ગુરુવારે નર્મદા-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-આણંદ-સાબરકાંઠા-અરવલ્લી-દાહોદ-પંચમહાલ-ખેડામાં મધ્યમ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-તાપી-દમણમાં ભારે, અમદાવાદ-ગાંધીનગર-મહીસાગર-સાબરકાંઠા-અરવલ્લીમાં મધ્યમ જ્યારે શનિવારે ભરૃચ-સુરત-વલસાડ-તાપીમાં ભારે, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે. કેટલાંક જિલ્લામાં આગામી ગુરુવારથી શનિવાર ૪૧થી ૬૧ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે.

ગુજરાતના જે જિલ્લામાં વરસાદની ૫૦%થી વધુ ઘટ છે તેમાં અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-ગાંધીનગર-ખેડા-મહીસાગર-પંચમહાલ-સાબરકાંઠા-તાપી-વડોદરા-ગીર સોમનાથ-જુનાગઢ-કચ્છ-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. રાજ્યમાં ગત વર્ષે ૧૬ ઓગસ્ટ સુધી ૨૫.૨૬ ઈંચ સાથે મોસમનો ૭૭% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વખતે ગત વર્ષ કરતાં અડધાથી પણ ઓછો ૩૭% વરસાદ નોંધાયો છે. ગત વર્ષે ૩૯ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ હતો. જ્યારે આ વર્ષે ૫ તાલુકા જ એવા છે જ્યાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં હજુ સુધી ૧૨ ઈંચ સાથે માત્ર ૩૭% વરસાદ

Advertisement

અત્યાર સુધી કચ્છમાં ૫.૫૧ ઈંચ સીન્જ ૩૧.૭૩%, ઉત્તર ગુજરાતમાં ૮.૮૧ ઈંચ સાથે ૩૧.૨૩%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧.૦૬ ઈંચ સાથે મોસમનો ૩૪.૯૦%, સૌરાષ્ટ્રમાં ૯.૪૦ ઈંચ સાથે મોસમનો ૩૪.૧૧% અને દક્ષિણ ગુજરાતમાં ૨૪.૧૭ ઈંચ સાથે મોસમનો ૪૨.૦૧% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

શ્રાવણમાં ભાદરવા જેવી ગરમી : અમદાવાદમાં ૩૬ ડિગ્રી

અમદાવાદમાં વરસાદ ખેંચાતાં ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી થઇ ગયું હતું. દિવસ દરમિયાન આકરા તાપ અને ગરંમીથી લોકો અકળાયા હતા. આગામી બે દિવસ અમદાવાદમાં ૩૬ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. જોકે, ગુરુવારથી ગરમીમાં ઘટાડો અનુભવાશે. રાજ્યમાંથી અન્યત્ર વડોદરામાં ૩૪, ભાવનગરમાં ૩૪.૨, રાજકોટમાં ૩૫.૩, સુરતમાં ૩૩.૮ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

READ ALSO

The post ભર ચોમાસે ઉનાળો? બનાસકાંઠામાં ઓછો વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી, જળાશયોમાં પાણીનો જથ્થો ખાલી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next