Advertisement

ક્યાં ગયો કોરોના/ નવા મંત્રીઓ માટે ‘આશીર્વાદ’માગવા સંક્રમણ નોતરતી ભીડ, ભાજપે ઠેર ઠેર ટોળાં એકત્ર કર્યાં

08:17 AM Oct 04, 2021 | Damini Patel |
Advertisement

GSTV

કોરોનાની બીજી લહેર માંડ શમી છે અને ત્રીજી લહેરનો ખતરો હજુ સંપૂર્ણ ટળ્યો નથી એવામાં સત્તાધિશ ભાજપે આજે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જોખમરૂપી ટોળાં એકત્ર કર્યાં હતા. રાજકોટ, મોરબી, જામનગર જિલ્લામાં નવા મંત્રીઓની હાજરીવાળી જન આશીર્વાદ યાત્રામાં તથા જૂનાગઢના કેશોદ ખાતે નવા મંત્રીના અભિવાદન સમારંભના નામે લગભગ સર્વત ૪૦૦ની નિયત મર્યાદા કરતા ખૂબ વધુ સંખ્યામાં કાર્યકરો-ગ્રામજનોની ભીડ ઠલવાઇ હતી, જે વિશે તંત્રવાહકોએ નિયમભંગ બદલ કોઇ પગલાં લેવાનું તો દૂર, નેતાઓને ટપારવાનું પણ ટાલ્યું હતું.

રાજયમાં નવી સરકારમાં મંત્રી બન્યા બાદ આજે પ્રથમ વાર હોમ ટાઉન રાજકોટ આવેલા વાહન વ્યવહાર રાજય મંત્રી અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાને લઈને માર્ગો પર ઠેર ઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રાફિક અને મોંઘવારીથી પીડાતા શહેરીજનો પાસે જાણે ધરાર આશીર્વાદ લેવામાં આવ્યા હતા. ત્રણેક કલાક સુધી રાજકોટનાં રાજમાર્ગો પર યાત્રા નીકળી ત્યારે હજારો કાર્યકરોની ભીડ જોવા મળી હતીે. માસ્ક અને ૪૦૦ લોકોની હાજરીનાં કોરોના ગાઈડ લાઈનનો ઉલાળીયો કરાયો હતો.

મોરબીના ચરાડવા ગામેથી શરૂ થયેલી જન આશીર્વાદ યાત્રા નીચી માંડલ, મહેન્દ્રનગર ચોકડી, બેલા, જેતપર, માળિયા મિયાણાં, સરવડ, ચમનપર, વવાણિયા, મોટા દહીંસરા સહિત ગામોમાં થઇને મોરબી પહોંચી એ દરમિયાન ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં માણસો એકત્રિત કરાયા હતા. એક થી વધુ તબક્કે મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારીયા, ભાજપના અન્ય આગેવાનો-કાર્યકરો પોતે પણ માસ્ક વિના નજરે પડયા હતા. મહેન્દ્રનગર ચોકડી જેવા સ્થળે ઢોલ નગારા વચ્ચે ફટાકડા ફોડીને સ્વાગત કરાયું હતું. સુરક્ષા વ્યવસ્થા માટે ખડકાયેલી પોલીસે નિયમોનો ઉલાળીયો થતાં જોયો છતાં મ્હો સીવી લીધુ હતું.

ખેડૂત સંમેલનને સંબોધન કર્યું

કૃષિ-પશુપાલન કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને જોડિયા અને જામનગર તાલુકામાં ઢોલ-નગારા સાથે ભાજપ દ્વારા આવકારવામાં આવ્યા ત્યારે પણ એવો જ તાલ હતો. તેમણે ભાદરાના સ્વામિનારાયણ મંદિર, કુંડલિયા હનુમાન મંદિર, ખીરી હનુમાનજી મંદિર, ઇશરધામ, શેખપાટ મંદિર સહિત ધાર્મિક સ્થળોએ પૂજન-અર્ચન બાદ સંતોના આશીર્વાદ લીધા હતા તેમજ બાદનપર, કુનડ, લીંબુડા, હડિયાણા સહિત ડઝને’ક ગામની મુલાકાત બાદ મંત્રીએ હાપા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂત સંમેલનને સંબોધન કર્યું હતું. આ વેળા સાંસદ પૂનમબેન માડમે કહ્યું કે ‘રાધવજીભાઇ જમીની નેતા હોવાથી લોકો તેને વધાવવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે, હવે તે કેબિનેટ મંત્રી બનતા ગાંધીનગરમાં તેમનું નિવાસ સ્થાન જામનગર હાઉસ બની રહેશે’

Advertisement

કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ પશુપાલન મંત્રી બન્યા બાદ આજે કેશોદ આવતાં ભાજપના આગેવાનોએ અને કાર્યકરોએ તેઓના અભિવાદન સમારોહનું આયોજન કર્યું હતું, અને શહેરમાં રેલી યોજી પટાકડા ફોડયા હતા. આ રેલી દરમિયાન મોટાભાગના કાર્યકરોએ માસ્ક પહેર્યું ન હતું અને સોશીયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું. આ અભિવાદન સમારોહમાં સ્ટેજ પર હાજર નેતાઓ અને કાર્યકરોએ પણ કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો.

સામાન્ય વ્યક્તિ માસ્ક વિના નિકળે તો તેની પાસેથી એક હજાર રૂપિયા દંડ વસુલ કરવામાં આવે છે, અથવા ગુનો દાખલ કરવામાં આવે છે. પરંતુ રાજકીય પક્ષના લોકો સરેઆમ નિયમ ભંગ કરે તો તંત્ર દ્વારા તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. આ બાબતને લઇ લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

ટ્રાફિક સમસ્યા ભોગવતા રાજકોટમાં ભાજપની ધરાર જનઆર્શીવાદ યાત્રાને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામ

રાજકોટનાં પ્રવેશદ્રાર ગ્રીન લેન્ડ ચોકડીએ આજે સવારે ૧૦ વાગ્યાથી યાત્રાનો આરંભ થવાનો હતો પરંતુ મંત્રી ખૂદ અર્ધો કલાક મોડા આવતા યાત્રા મોડી શરુ થઈ હતી. ગ્રીન લેન્ડ ચોકડી ખાતે મેયર અને શહેર ભાજપનાં આગેવાનોએ મંત્રી અરવિંદ રૈયાણીનું અભિવાદન કર્યુ હતું. યાત્રા ત્યાંથી કુવાડવા રોડ પર રણછોડદાસજી મંદિર, પારેવડી ચોક પાસે પહોંચી ત્યારે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકો મોંઘવારીથી પીડાઈ રહયા છે પરંતુ પારેવડી ચોકમાં મંત્રી પર પૈસા ઉડાડવામાં આવ્યા હતા.

અરવિંદ રૈયાણી એક ખુલ્લી જીપમાં સવાર હતા રસ્તામાં કયાંક તેમણે અને તેમની સાથે જીપમાં રહેલા શહેર ભાજપ પ્રમુખ સહિતનાં આગેવાનોએ માસ્ક પહેર્યુ ન હતુ. યાત્રામાં જોડાયેલા મોટાભાગનાં કાર્યકરોએ પણ માસ્ક પહેર્યુ ન હતુ. બાલક દાસ હનુમાન મંદિર નજીક સંગીતનાં તાલે મહિલાઓએ ગરબા લીધા હતા. પોલીસ બંદોબસ્ત હોવા છતાં યાત્રામાં ટ્રાફિક જામ થતા લોકો ભારે પરેશાન થયા હતા. યાત્રા ચૂનારાવાડ થઈને ૮૦ ફૂટ રોડ અને હુડકો ખાતે બપોરે બે વાગ્યે પુરી થઈ હતી. લગભગ સાડા ત્રણ કલાક સુધી યાત્રાને લઈને ૬૮ વિધાનસભા વિસ્તારમાં કલાકો સુધી લોકોને માર્ગો પરથી પસાર થવામાં નાકે દમ આવી ગયો હતો.

મંત્રી અરવિંદ રૈયાણી જનઆશીર્વાદ રેલીમાં ભારે ભીડ જોઈને ઉત્સાહિત થઈ ગયા હતા. એક સ્થળે એકાએક જીપમાંથી ઉતરીને શહેર ભાજપ પ્રમુખ માટે ગીત ‘તેરે જૈસા યાર કહાં…’ લલકાર્યું હતું. આ વેળાએ શહેર ભાજપ પ્રમુખે પણ તાળીઓથી વધાવ્યું હતું. એક કલાકારે આ વેળાએ ‘યે દોસ્તી..’ આમ યાત્રામાં ફિલ્મી રંગ પણ જોવા મળ્યો હતો.

Read Also

The post ક્યાં ગયો કોરોના/ નવા મંત્રીઓ માટે ‘આશીર્વાદ’ માગવા સંક્રમણ નોતરતી ભીડ, ભાજપે ઠેર ઠેર ટોળાં એકત્ર કર્યાં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next