Advertisement

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

07:23 AM Sep 21, 2021 | Damini Patel |
Advertisement

GSTV

લગભગ રૂ.305 અબજ ડોલર (એટલે કે રૂ.22,57,000 કરોડનું કુલ દેવું ધરવતી આ કંપની આ મહીને પોતાના બોન્ડના વ્યાજનું સમયસર ચુકવણું નહી કરી શકે એવી ચિંતા છે. દેવાનો કેટલોક ભાગ આગામી વર્ષે પુન: ચૂકવવાનો છે પણ કંપની પાસે પૈસા નથી.

કંપનીએ કુલ દેવા સામે 8.35 કરોડ ડોલર એટલે કે રૂ.617 કરોડનું વ્યાજ આવતા આ સપ્તાહમાં ચૂકવવાનું છે. એ નિષ્ફળ રહે તો કંપની ઉપર ડિફોલ્ટનો ભય છે. આ પછી પછી કંપની તા. 29 સપ્ટેમ્બરના વધારે રૂ.4.75 કરોડ ડોલર કે રૂ.351 કરોડનું વ્યાજ ચૂકવવાનું છે.

કંપની નાદાર જાહેર થાય તો મંદી આવશે

ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાંડના સંભવિત ડિફોલ્ટના કારણે આજે વિશ્વભરના શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચીનના રીઅલ એસ્ટેટ બજારમાં આ કંપની નાદાર જાહેર થાય તો મંદી આવે અને લાખો કરોડ ડોલર અટવાઈ પડે અને તેની અસરથી મેટલ્સ, સિમેન્ટની માંગમાં ઘટાડો થાય અને કોવીડની કટોકટી બાદ ધીમે ધીમે બેઠા થઇ રહેલા અર્થતંત્ર ઉપર ફરી મંદી આવે એવી દહેશત ઉભી થઇ છે.

એવરગ્રાન્ડની સાથે આજે ચીનની બીજા નંબરની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની સિંક ઉપર પણ જોખમના વાદળો ઘેરાયા છે. રિયલ એસ્ટેટ શેરોમાં આજે હોંગકોંગ,માં ટ્રેેડીંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સિંકના શેર આજે એક જ ઝાટકે 87 ટકા ઘટી માત્ર 50 સેન્ટ થઇ ગયા હતા. એવરગ્રાંડના શેર આજે 11 ટકા ઘટી છેલ્લા 12 વર્ષના સૌથી નીચા સ્તરે હતા.

વૈશ્વિક બજારોમાં ખળભળાટ

Advertisement

આ ઘટનાની અસર સમગ્ર વિશ્વના શેરબજામાં જોવા મળી રહી છે. વેચવાલીના કારણે ભારત, અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને હોંગકોંગના શેરબજારમાં ગાબડાં પડયા હતા. શેરની વેચવાલીના કારણે સલામતી તરફ પ્રયાણના ભાગરૂપે ડોલરનું મુલ્ય વધ્યું હતું.

ઓસ્ટ્રેલીયા અને ભારતમાં શેરબજાર એક ટકાથી બે ટકા ઘટયું હતું. યુરોપમાં શેરબજાર બે ટકા ઘટયા અને અમેરિકામાં દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. લંડન મેટલ એક્સચેન્જ ઉપર કોપરના ભાવ અઢી ટકા જેટલા ઘટી ગયા છે.

આ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં પણ આજે કડાકો બોલાઇ ગયો હતો. ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે બીએસઇ સેન્સેક્સ 525 પોઇન્ટ તૂટીને 58491ની અને નિફ્ટી 188 પોઇન્ટ તૂટીને 17396ના મથાળે ઉતરી આવ્યો હતો. સેન્સેક્સમાં બોલેલા કડાકા પાછળ રોકાણકારોની સંપત્તિમાં રૂ.3.49 લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂ.255.47 લાખ કરોડ રહ્યું હતું.

પ્રતિકુળ અસરોથી બચવા ચીને 14 અબજ ડોલર ઠાલવ્યા

એવરગ્રાન્ડની સંભવિત કટોકટીને પારખી ચીને તેના બેન્કિંગ સિસ્ટમમાં 14 અબજ ડોલરની રોકડ ઠાલવી છે. આ કવાયતનો ઉદ્દેશ્ય એવરગ્રાન્ડ જો દેવાળુ ફૂંકે તો તેની પ્રતિકુળ અસરોને ટાળવાનો છે.

પીપલ્સ બેન્ક ઓફ ચાઇનાને શુક્રવારે સાત દિવસ અને 14 દિવસના રિવર્સ પર્ચેઝ એગ્રીમેન્ટ્સ મારફતે 90 અબજ યુઆન એટલે કે લગભગ 14 અબજ ડોલરની રકમ ઠાલવી છે, જે ફેબુ્રઆરી બાદ સૌથી વધારે છે. ઉપરાંત બેન્કે આજે પહેલીવાર ચાલુ મહિને એક જ દિવસમાં બેન્કિંગ સિસ્ટમમાં 10 અબજ યુઆનની શોર્ટ ટર્મ લિક્વિડિટી વધારી છે.

એવરગ્રાન્ડ ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની

એવરગ્રાન્ડ ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની છે. દેશના 280 શહેરમાં 1300 જેટલો પ્રોજેક્ટ ધરાવતી આ કંપની ચીનની રિયલ એસ્ટેટ બજારમાં ચાર ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીએ આટલા મોટા ફલક ઉપર કામ કરવા માટે 128 જેટલી બેંકો અને 121 જેટલી નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પાસેથી ધિરાણ મેળવ્યું છે. કંપનીના જે પ્રોજેક્ટ ચાલુ છે તેનું મુલ્ય એક ટ્રીલીયન ડોલર કે રૂ.74 લાખ કરોડ જેટલું આકવામાં આવે છે.

2008ની લેહમાનની યાદ તાજી થઇ

વર્ષ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી માટે અમેરિકામાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રનું ધિરાણ જવાબદાર હતું અને એમાં છેલ્લે સપ્ટેમ્બર 2008માં લેહમાન બ્રધર્સ નાદાર જાહેર થયાની સાથે વિશ્વમાં આર્થિક સંકટ માર્ગે મંદી આવી પડી હતી. આ યાદ ફરી તાજી થાય એવી હાલત પેદા થઇ છે.

ચીનના આર્થિક વિકાસમાં રીઅલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રકચરના બાંધકામનો મોટો હિસ્સો રહ્યો છે. આ માર્કેટની સાથે સ્ટીલ, સિમેન્ટ, કોપર અન્ય ધાતુઓનો વપરાશ પણ વધ્યો છે. ચીનની રીઅલ એસ્ટેટ માર્કેટની સૌથી મોટી કંપની જો દેવું ભરપાઈ કરી શકે નહી તો આ ધાતુઓની માંગ પણ ઘટી શકે છે અને તેના કારણે માત્ર ચીન જ નહી પણ વિશ્વભરમાં આર્થિક મંદી આવી પડી શકે છે.

Read Also

The post ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next