Advertisement

Case study / વર્ષો પુરાણી ઑટોમોબાઇલ કંપની FORD કેમ ભારતમાંથી ઉચાળા ભણી રહી છે?

03:34 PM Sep 17, 2021 | Lalit Khambhayata |
Advertisement

GSTV

ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટેના સપનાને ‘મેક ઇન ઇન્ડિયા’ નામ દેવામાં આવ્યું. ત્યાર બાદ કોરોના મહામારી વખતે એવો પ્રચાર કરવામાં આવ્યો કે જે કંપની ચીનમાંથી બહાર નીકળશે તે ભારત આવવાની છે, પરંતુ થઈ રહ્યું છે તેનાથી ઉલ્ટું. ભારતમાંથી ઑટોમોબાઇલ કંપની ફોર્ડએ પોતાની બંને કંપની બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફોર્ડ કંપનીએ 9 સપ્ટેમ્બર, 2021ના રોજ પોતાનો આ નિર્ણય જાહેર કર્યો છે. એ case study જાણવા જેવો છે.

શું કહ્યું ફોર્ડ કંપનીએ?

કંપની આ નિર્ણય અંતર્ગત ભારતના ચેન્નઈ અને સાણંદમાં આવેલા પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરશે અને માત્ર ઇમ્પોર્ટેડ વાહનોનું જ વેચાણ કરશે. કંપનીએ આ પ્લાન્ટમાં આશરે 2.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ નિર્ણય બાદ ફોર્ડ કંપની ઇસ્કોપાર્ટ, ફિગો અને એસ્પાયર જેવા વાહનોનું વેચાણ બંધ કરશે. આગળ – ભવિષ્યમાં ફોર્ડ કંપની માત્ર મસ્ટેંગ જેવા ઇમ્પોર્ટેડ વાહનનું વેચાણ કરશે. આ નિર્ણય બાદ ફોર્ડ ઇન્ડિયાના પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર અનુરાગ  મહેરોત્રાએ જણાવ્યું હતું કે, ફોર્ડ ભારતમાં ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવાનું અને વોરન્ટી સપોર્ટ આપવાનું ચાલુ રાખશે. ફિગો, એસ્પાયર, ફ્રી સ્ટાઇલ, ઇસ્કોપાર્ટ અને એન્ડેવર જેવી હાલની પ્રોડક્ટ્સનું વેચાણ અત્યારના ડિલર મારફતે કરવામાં આવશે. તે વેચાઈ ગયા બાદ બંધ કરવામાં આવશે.
ફોર્ડ ઇન્ડિયા 6,10,000 એન્જિન અને 4,40,000 વાહનોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. કંપનીએ વિશ્વભરના 70 હજારથી વધુ બજારોમાં ફિગો, એસ્પાયર અને ઇકોસ્પોર્ટ જેવા તેના મોડલની નિકાસ કરી છે. કંપનીના આ નિર્ણયથી 4000 કર્મચારીઓને અસર થશે. જોકે, કંપનીના એમડી અનુરાગ મહેરોત્રાએ કહ્યું છે કે, અમે અમારા ગ્રાહકો અને અમે કરી રહેલા રિસ્ટ્રક્ચરીંગથી જેમને પણ અસર થશે તે કર્મચારીઓ, યૂનિયનો, ડિલરો તથા સપ્લાયર્સ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

ફોર્ડની શરૂઆત અને ભારતમાં આગમન

ફોર્ડની શરૂઆત 19મી સદીના અંતે થઈ હતી. અમરિકાના મિશિગન રાજ્યમાં ડેટ્રોઈટ નામનું શહેર છે. ડેટ્રોઈટથી થોડા અંદરે સ્પ્રિંગવેલ્સ નામનો વિસ્તાર છે. ત્યાં એક ખેડુત પરિવારમાં 30 જુલાઈ, 1863ના રોજ હેનરી ફોર્ડનો જન્મ થયો. હેનરીએ છઠ્ઠા ધોરણ સુધી ભણીને સ્કૂલ છોડી દીધી. 16 વર્ષની ઉંમરમાં કમાવવા માટે ડેટ્રોઈટ શહેર ચાલ્યો ગયો. એક ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું. મશીનોમાં તેને રસ હતો. 1880ના દાયકામાં તેણે વૃક્ષ કાપતા સ્ટીમ એન્જિનનું રિપરિંગ કરવાનું શરૂ કર્યું હતું. 1893માં તેમણે ચાર પૈડાવાળી સાઇકલ બનાવી. ત્રણ વર્ષની મહેનત બાદ સાઇકલમાં એન્જિન જોડી દીધું.

આ રીતે 1896ના વર્ષમાં પહેલી વખત એન્જિનથી ચાલતી ચાર પૈડાવાળી સાઈકલ હેનરી ફોર્ડે બનાવી. હવે તેને કાર બનાવવાનો ફૉર્મ્યુલા ખબર પડી ગઈ હતી. માટે નાની કારનું એન્જિન તૈયાર કરવા લાગ્યો. 1903ની સાલમાં 28 હજાર ડૉલર્સ સાથે ફૉર્ડ કંપની શરૂ કરી. શરૂઆતમાં કારના પ્રકાર આ પ્રમાણે હતાઃ મૉડલ એ, મૉડલ બી, મૉડલ સી, મૉડલ ટી. પછી થન્ડર અને મસ્ટંગ જેવી કાર બનાવી. એ વખતે અમેરિકામાં ફોર્ડ કંપની સામે માત્ર જનરલ મોટર્સ હતી. 1920 અને ત્રીસની દાયકામાં ફોર્ડ દુનિયાની સૌથી મોટી કાર કંપનીમાં શુમાર થઈ ચૂકી હતી. હેનરી ફોર્ડની લોકપ્રિયતા વધી ચૂકી હતી. સોવિયત, જર્મની સહિતના દેશોમાં ફોર્ડે પ્લાન્ટ શરૂ કરી દીધા હતા. ફોર્ડની ભારતમાં એન્ટ્રી 1996ના વર્ષમાં થઈ. તમિલનાડુના ચેન્નઈ પાસે તેનો પહેલો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ થયો. ભારતમાં પ્લાન્ટ ખોલવાના એક વર્ષ પહેલા ફોર્ડે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા કંપની સાથે ભાગીદારી કરી હતી.

ફોર્ડ કેમ ગઈ ફ્લોપ?

Advertisement

ફોર્ડ કંપની પોતાના પ્લાન્ટ્સ આટોપી રહી છે તેવા સમાચાર મળ્યા છે ત્યારથી એક બાજુ કહેવાઈ રહ્યું છે કે, જનરલ મોટર્સ, હાર્લે ડેવિસન અને યૂનાઇટેડ મોટર્સ બાદ હવે ફોર્ડ પણ પોતાની દુકાન બંધ કરી રહ્યું છે. એટલે કે સરકારની નીતિમાં ખામી છે. જ્યારે બીજી બાજુ સરકારના સમર્થકો કહી રહ્યા છે કે, જનરલ મોટર્સ, હાર્લે ડેવિસન અને યૂનાઇટેડ મોટર્સ ભારતમાંથી એટલે ઉચાળા ભણી રહ્યા છે કેમ કે ભારતની માર્કેટ પ્રમાણે તેઓ પોતાને ઢાળી નથી શક્યા.

પહેલી વાત તો એ કે, અમેરિકાની કાર માર્કેટ અને ભારતની કાર માર્કેટ બિલકુલ અલગ છે. અમેરિકામાં કાર ખરીદનારા એ જુએ છે કે, સાઈઝ કઈ છે યા તો એન્જિન કયું છે. કેટલું મજબૂત છે એન્જિન. અહીંની વાત અલગ છે. અહીં પૈસા મહત્વ ધરાવે છે. કિંમત કેટલી છે, એવરેજ કેટલી આપે છે તે મહત્વનું છે. કાર જુની થયા પછી વેચશું તો કેટલા પૈસા મળશે. કાર ખરીદતી વખતે ભારતમાં મોટાભાગે આ પૉઈન્ટ જોવાય છે. ફોર્ડને બહુ મોડી આ વાત સમજાઈ. તેની પહેલી કાર એસ્કોર્ટ અન્ય મોટાભાગના દેશોની માર્કેટમાંથી ફેંકાઈ ચૂકી હતી. તે ગાડી ભારતમાં સફળ ન ગઈ. ફોર્ડની શરૂઆતમાં જ નેગેટિવ પબ્લિસિટી થઈ. કંપનીએ રણનિતી બદલાવી. ફોર્ડ ફિએસ્ટા, ફોર્ડ ફિગો જેવી નાની ગાડી લૉન્ચ કરી. તે પસંદ કરાઈ. ઇકોસ્પોર્ટ્સ પણ માર્કેટમાં ચાલી, પણ તેમ છતાં ફોર્ડ ક્યારેક્ય સુઝુકી અને હુંડઈને માત ન આપી શકી. કોઈપણ રેન્જમાં ફોર્ડની ગાડી બેસ્ટસેલર નથી રહી શકી.

અમેરિકન કંપનીઓ શેમા માર ખાઈ રહી છે?

ફોર્ડ ઉપરાંત જનરલ મોટર્સથી કરીને હાર્લી ડેવિસન સુધીની કંપનીઓ ભારતમાં મહદ અંશે નિષ્ફળ રહી છે. ફોર્ડ ભારતમાં આવી ત્યારે એમ્બેસેડર, ફિઆટ અને મારુતિનું વર્ચસ્વ હતું. એવામાં અપેક્ષા હતી કે ભારતની ઊભરી રહેલી માર્કેટ ફોર્ડને સારો બિઝનેસ અપાવશે, પરંતુ એવું થયું નહીં. ઉલ્ટાની ફોર્ડ મારુતિ અને કોરિયન કંપની હુંડઈ સામે હારતી ગઈ. કંપનીની ભારતીય માર્કેટમાં અત્યારે 2 ટકાથી ઓછી ભાગીદારી છે અને 2020-21માં માત્ર 41, 875 કાર વેચી શકી છે. તેની સામે માત્ર જુલાઈ (2021) મહિનાના આંકડા જોઈએ તો મારુતિએ 1,33,732 કાર તથા હુંડઈએ આ દરમિયાન 48072 કાર વેચી છે. જ્યારે ફોર્ડે 3139 કાર વેચી છે.

  • પ્રોડક્ટ લૉન્ચ અને માર્કેટિંગ

આ તથા અન્ય કંપનીઓના નબળા પરફૉર્મન્સ વિશે ઑટો ઇન્ડ્સ્ટ્રીના દિગ્ગજ તથા જનલર મોટર્સના ભારતના બૉર્ડ ઑફ ડિરેક્ટરમાં સામેલ તથા તેના વાઇસ પ્રેસિડન્ટ રહી ચૂકેલા પી. બાલેન્દ્રન એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવે છે કે, પહેલા તો કંપનીઓએ પ્રોડક્ટ લૉન્ચિગ અને તેની માર્કેટિંગ ભારતીય બજાર પ્રમાણે કરવી જોઈએ. તમે ત્યાં બેસીને ભારતીય મેનેજમેન્ટને અમેરિકા અને યૂરોપની કાર વેચવા માટે તૈયાર ન કરી શકો.

  • લોકલાઈઝેશન

ભારતની માર્કેટ નાની કારની છે, પરંતુ અમેરિકાની કંપનીઓએ ત્યાંના દ્રષ્ટિકોણથી માર્કેટ જોઈ અને નાની કાર અંગે શરૂઆતમાં ફોકસ ન કર્યું. આના કારણે વેચાણ ઘટી ગયું અને અન્ય કંપનીઓએ માર્કેટ પર કબ્જો કરી લીધો. ત્રીજું એ કે, આ કંપનીઓએ લોકલાઇઝેશન પર ભાર ન મૂક્યો. તેના કારણે તેમના પ્રોડક્ટ મોંઘા રહ્યા. આશરે 89-90 ટકા પાર્ટ્સ ઈમ્પોર્ટ કરાતા રહ્યા. માટે કિંમત ઔર વધી ગઈ. જે ભારતીય માર્કેટમાં અન્ય પ્રતિસ્પર્ધી કંપની સામે સામનો ન કરી શકી. મોટાભાગના પાર્ટ્સ બહારથી ઈમ્પોર્ટ કરાતા હોવાથી તેની ઑલ્ટર સેલ્સ સર્વિસ પણ મોંઘી રહી. માટે ગ્રાહકો દૂર થતા ગયા.

  • અધિકારીઓની ઝડપી બદલી

અન્ય કંપનીઓ સાથે સરખામણી કરીએ તો અમેરિકાની કંપનીઓએ પોતાના વરિષ્ઠ અધિકારીઓ ઝડપથી બદલ્યા. મારુતિ પાછલા 21 વર્ષમાં 2-3 CEO બદલ્યા. જ્યારે જનરલ મોટર્સ અને ફોર્ડે 12-12 વર્ષના પોતાના ઑપરેશનમાં 8-9 મેનેજિંગ ડિરેક્ટર બદલ્યા. આમાં પ્રૉબ્લેમ એ થયો કે, કોઈ એક એમડીને ભારતની માર્કેટ સમજવાનો સમય જ ન મળ્યો. જ્યાં સુધી તેને સમજ પડે તે બદલાઈ ચૂક્યો હોય.

  • ખર્ચા વધારે

અમેરિકાની કંપનીની બેઝિક કોસ્ટ અત્યંત હાઈ હોય છે. જેમ કે, તેમના અધિકારીઓના પગાર તથા અન્ય ખર્ચા ભારતની સરખામણી વધારે હોય છે. તેની અસર કંપનીના ખર્ચ પર પડે છે. આ ઉપરાંત વાહના નિર્માણમાં અમેરિકાની કંપનીઓ મોટાપાયે એન્જિનિયરિંગનો ઉપયોગ કરે છે. જેના કારણે ખર્ચો પણ વધે છે અને અન્ય કંપનીઓ કરતા પાછળ રહી જાય છે.

The post Case study / વર્ષો પુરાણી ઑટોમોબાઇલ કંપની FORD કેમ ભારતમાંથી ઉચાળા ભણી રહી છે? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next