Advertisement

ભાજપ ગેલમાં/ સળંગ છઠ્ઠી વખત આ મહાપાલિકા પર કેસરિયો લહેરાશે : AAP-કોંગ્રેસમાં પાડશે ગાબડું, જાણી લો કોણ જીતશે કોણ હારશે

06:23 PM Feb 19, 2021 | Karan |
Advertisement

GSTV

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગે ગત 2015ની ચૂંટણીના વિજેતા થયેલા ઉમેદવારો અને ત્યાર પછીના પાંચ વર્ષના સમયગાળામાં થયેલા પક્ષ પલટા, આ વખતની 2021ની ચૂંટણીમાં ભાજપના નવા નિયમોના કારણે ઉમેદવારોની પસંદગી વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને વોર્ડ વાઈઝ ચૂંટણી સમીક્ષા પ્રસ્તુત છે. આ સમીક્ષા પરથી એટલું તારણ ચોક્કસ નીકળે છે, કે પરિણામોમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં દેખાતી નથી. જેના પરિણામ સ્વરૂપ ભાજપ જામનગર મહાનગરપાલિકામાં બહુમતીથી પુન: સત્તા કબજે કરશે.

વોર્ડ નંબર 1

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર -1માં ઘણો નવો ભળેલો વિસ્તાર છે. અને અહીં સમસ્યાની પણ ભરમાર છે. આ વિસ્તારનો વિકાસ થયો નથી ત્યારે સત્તાધારી ભાજપ સામે લોકોની નારાજગી જોવા મળી શકે છે. એટલું જ માત્ર નહીં લઘુમતિ કોમની વસ્તી વધારે છે, ત્યારે આ વોર્ડમાં કોંગ્રેસની પેનલ ભારે મજબૂત ગણાય છે. છેલ્લી ટર્મમાં અહીં કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી. ત્યારે આ વખતે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ત્યારે વિકાસની વાતો લઈને ભારતીય જનતા પાર્ટી આ વોર્ડમાં ખાતું ખોલાવે છે કે કેમ, કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી શકે છે. તેના પર સૌની મીટ મંડાયેલી છે. ત્રણેય પાર્ટી દ્વારા સમગ્ર વિસ્તારમાં પ્રચાર ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે.

વોર્ડ નંબર -2

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર -2માં ગત ટર્મમાં ત્રણ બેઠક ભાજપને ફાળે ગઈ હતી, જ્યારે એક બેઠક કોંગ્રેસને મળી હતી. જોકે પાછળથી કોંગ્રેસના ઉમેદવારે ભાજપમાં પ્રવેશ કરી લીધો હતો. પરંતુ આ વખતે સમીકરણ બદલાયું છે. કોંગ્રેસ પાર્ટીના યુવા પ્રમુખ ખુદ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે રાજપૂત સમાજની બહુમતી ધરાવતા આ વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષે પ્રતિષ્ઠાભર્યો જંગ છે. ઉપરાંત ભાજપમાંથી નારાજ થઈને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા મહિલા કોર્પોરેટર સહિતની આપની પેનલ પણ ટક્કરમાં છે. ત્યારે આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કસોકસની લડાઈ છે. અંતિમ દિવસે જે પાર્ટી વધુને વધુ મતદાન કરાવી શકશે તે વિજય પ્રાપ્ત કરી શકશે. અને પ્રચાર કાર્ય પણ આ વોર્ડમાં ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ અને ભાજપ બંનેના દીગ્ગજ અગ્રણીઓ પ્રચાર કાર્યમાં મદદ કરી રહ્યા છે.

વોર્ડ નંબર -3

આ વોર્ડમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. છેલ્લી ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ ભોગવનારા ભાજપના સુભાષ જોશી કે જેઓ ફરીથી ઉમેદવાર બન્યા છે. જોકે તેમની પેનલના બે ઉમેદવારો નવા નિયુક્ત થયા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધી લડાઇ છે. પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કરાયેલા કામોને લઈને આવોર્ડમાં ભાજપનો દબદબો વધારે દેખાઈ રહ્યો છે. જેથી કોંગ્રેસ પાર્ટીએ ભારે લડત આપવી પડે તેવી સ્થિતિ છે.

વોર્ડ નંબર 4

Advertisement

આ વોર્ડમાં ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર એક બેઠક મળી હતી, જ્યારે અન્ય ત્રણ બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી. પરંતુ પાછળથી કોંગ્રેસના 2 કોર્પોરેટરે ભાજપને ટેકો જાહેર કરી દીધો હતો. પરંતુ આ વખતની ચુંટણીમાં ફરીથી કોંગ્રેસ માંથી ભાજપમા આવેલા એક મહિલા પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા કે જેઓએ ફરીથી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે, અને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ વોર્ડમાં ફરીથી જંગ જામ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે જબરી લડાઈ છે. કઈ પાર્ટી પોતાના મતદારોને મતદાન મથક સુધી પહોંચાડે છે તેને જ વિજયનો સ્વાદ ચાખવા મળશે.

વોર્ડ નંબર -5

આ વોર્ડની વાત કરવામાં આવે તો જામનગરનો એકમાત્ર એવો વોર્ડ છે કે જ્યાં ત્રિપાંખિયો અને જબરો જંગ છે. સૌથી વધુ મજબૂત ઉમેદવારની ગણના કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને પૂર્વ ડેપ્યુટી મેયર પદ ભોગવી ચુકેલા કરસન ભાઈ કરમુર કે જેઓને ત્રણ ટર્મ પૂરી થઈ હોવાથી નવા નિયમ મુજબ ભાજપે ટિકિટ નથી આપી. એટલું જ માત્ર નહીં તેઓએ જે નામ સૂચવ્યું હતું. તેને પણ ટિકિટ ન આપી હોવાથી નારાજ થઈને ભાજપનો સાથ છોડ્યો હતો, અને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી નવી પેનલ સાથે મેદાનમાં ઉતર્યા છે. જેથી ભાજપની પેનલ અને આમ આદમી પેનલ વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. ઉપરાંત કોંગ્રેસ પાર્ટીની પેનલ પણ આ વોર્ડમાં મેદાનમાં છે, ત્યારે ખૂબ જ રસાકસીભર્યો જંગ છે. ભાજપના કમિટેડ વાળા આ વોર્ડમાં આપ પાર્ટી પોતાના પગ જમાવી શકે છે કે કેમ, તે જોવાનું રહેશે.

વોર્ડ નંબર 6

છેલ્લી બે ટર્મથી ભાજપનો દબદબો રહ્યો છે તેવા વોર્ડ નંબર 6માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. અને ભાજપની પેનલ આ વોર્ડમાં વધુ મજબૂત ગણાઈ રહી છે. પરંતુ ભાજપના એક પૂર્વ કોર્પોરેટર કે જેઓ નારાજ થયા છે અને આ વોર્ડમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ભાજપની પેનલમાંથી થોડું ભંગાણ પડાવી શકે તેવી સ્થિતિ છે. પરંતુ નવા ભળેલા વિસ્તારોમાં ભાજપ દ્વારા રોડ-રસ્તાના અનેક કામો કરાયા હોવાથી ભાજપની પેનલને ઘણો લાભ મળી શકે તેમ છે. આ વોર્ડમાં પણ આમ આદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારો ઊભા રાખ્યા છે જે કેટલું ભંગાણ સર્જી શકે છે તે જોવાનું રહેશે.

વોર્ડ નંબર 7

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં પણ ભાજપનો દબદબો રહ્યો છે. અને મોટાભાગે ભાજપની પેનલનો જ વિજય થતો આવે છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા નવી પેનલ બનાવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારો ઊભા રાખ્યા છે. પરંતુ આ વોર્ડમાં ભાજપનું વર્ચસ્વ વધુ હોય તેવી પરિસ્થિતિ છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલું જોર બતાવે છે તે જોવાનું રહેશે.

વોર્ડ નંબર 8

આ વોર્ડમાં ગત ચૂંટણીમાં એસ. વી. વી. પી. નામની પાર્ટીની પેનલ ઉભી રાખવામાં આવી હતી, અને તેમાં બે મહિલા ઉમેદવારો એ મેદાન મારી લીધું, અને ભાજપને માત્ર બે પુરૂષ ઉમેદવારની બેઠકો મળી હતી. પરંતુ પાછળથી એક મહિલા ઉમેદવાર ભાજપમાં અને એક મહિલા ઉમેદવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. ત્યારે ભાજપ દ્વારા પૂર્વ કોર્પોરેટર દિવ્યેશભાઈ અકબરીની રાહબરી હેઠળ નવી પેનલ ઉતારવામાં આવી છે. જેની સામે કોંગ્રેસ દ્વારા ભાજપ માંથી જ અગાઉ ચૂંટણી લડી ચૂકેલા એવા નરેન્દ્રસિંહ ચૌહાણને કોંગ્રેસ પાર્ટીમાંથી ટિકિટ આપી છે. જેની સામે આમ આદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારોને ઉભા રાખ્યા છે. આ વોર્ડ પણ ભાજપના ગઢ સમાન છે ત્યારે 21મી તારીખે ભાજપ પોતાની પેનલને જીતાડવા માટે સક્ષમ રહેશે કે પછી કોંગ્રેસ અને આપ પાર્ટી તેમાં ભંગાણ સર્જે છે, તે જોવાનું રહેશે.

વોર્ડ નંબર 10

આ વોર્ડમાં છેલ્લી ટર્મના મેયર હસમુખ જેઠવા કે જેઓ છેલ્લા 20 વર્ષથી ચુંટાતા આવ્યા છે, અને તેમની સાથે હંમેશાં ભાજપની પેનલ જ જીત હાંસલ કરે છે. પરંતુ ભાજપના નવા નિયમ અનુસાર તેઓને ટિકિટ નથી મળી, ત્યારે તેમના પુત્રને ટિકિટ અપાઈ છે. જોકે એક મહિલા ઉમેદવારને રીપીટ કરાયા છે. જ્યારે અને પૂર્વ કોર્પોરેટરના પત્નીને ટિકિટ અપાઈ છે. પરંતુ ભોઈ સમાજની વસ્તી ધરાવતા આ વોર્ડમાં થોડો અસંતોષ જોવા મળ્યો છે. જેની સામે કોંગ્રેસ દ્વારા ભાજપના જ પુર્વ કોર્પોરેટરના પુત્રને ટિકિટ આપવામાં આવી છે, અને લઘુમતી સમાજની પણ મોટી વસતી છે. ત્યારે લઘુમતિ સમાજના મહિલા ઉમેદવારની સાથે બનાવાયેલી કોંગ્રેસની પેનલ પણ અહીં બહુ જોર કરે છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ત્રણ ઉમેદવારોને ઉભા રખાયા છે. જેઓ વોર્ડ નંબર 10ની ભાજપની જીતની પરંપરાને તોડવામાં સક્ષમ બને છે કે નહીં, તે જોવાનું રહેશે.

વોર્ડ નંબર 11

આ વોર્ડમાં હાલના ભાજપના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પત્ની કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા, અને ભાજપના જ એક પૂર્વ કોર્પોરેટર જસરાજ પરમાર કે જેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા, અને વર્ષોથી ભાજપના ગઢ સમાન ગુલાબ નગર વિસ્તારના વોર્ડમાં પરિવર્તન લાવી દીધું હતું. અને સમગ્ર કોંગ્રેસની પેનલ આ વોર્ડમાં છવાઈ ગઈ હતી. પરંતુ પાછળથી મંત્રી હકુભાની સાથે સમગ્ર પેનલ ભાજપમાં આવી ગઈ હતી. ત્યારે આ વખતે ભાજપ દ્વારા પૂર્વ કોર્પોરેટર જસરાજ પરમારના પુત્રને ટિકિટ અપાઈ છે.

આ ઉપરાંત ભાજપના પૂર્વ કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજાને વોર્ડ નંબર 11માં ટિકિટ આપવામાં આવી છે. જેની સામે કોંગ્રેસ પાર્ટીએ જે પેનલ બનાવી છે. તેમાં ભાજપના જ આ વોર્ડના દિગ્ગજ નેતા અને પૂર્વ કોર્પોરેટર મનસુખભાઈ ખાણધરના પુત્રએ કોંગ્રેસ પાર્ટીનું સમર્થન મેળવી લીધું છે, અને ઉમેદવારી નોંધાવી છે. જેથી આ વોર્ડમાં કોંગ્રેસ પાર્ટી અને ભાજપ વચ્ચે જબરજસ્ત ફાઇટ છે. આમ આદમી પાર્ટી દ્વારા આ વિસ્તારમાં જે ઉમેદવારોને ઉભા રાખ્યા હતા તેમાંથી બે ઉમેદવારોએ અન્ય પાર્ટીને સમર્થન આપી દીધું છે. ત્યારે ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે.

વોર્ડ નંબર 12

આ વોર્ડ કોંગ્રેસ પાર્ટીનો ગઢ છે. અને કોંગ્રેસના ચારેય ઉમેદવારો જંગી લીડથી ગત ટર્મમાં ચૂંટાયા હતા. અને બે મુખ્ય કોર્પોરેટરો અલ્તાફ ખફી અને અસલમ ખીમજી કે જેઓ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ લીડથી ચૂંટાયા હતા. જેઓની પેનલ ફરીથી આ વોર્ડનું પ્રતિનિધિત્વ કરી રહી છે. જેની સામે ભાજપે પણ પોતાની પેનલ ઉભી રાખી છે. તેમજ આમ આદમી પાર્ટીના ચાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, પરંતુ કોંગ્રેસના સમર્થનમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. પરંતુ કોંગ્રેસનો હાથ ઉપર રહે તેવી જ પરિસ્થિતિ છે. પૂર્વ કોંગી અગ્રણી દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે. જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની સામે કેટલી લડત આપે છે. તે જોવાનું રહેશે.

વોર્ડ નંબર 13

આ વોર્ડ પણ ભાજપનો ગઢ સમાન છે. પરંતુ આ વખતે નવા સમીકરણો મુજબ ભાજપના નેતા અને પૂર્વ ચેરમેન મનીષ કનખરાને ટિકિટ ફાળવી ન હોવાથી એક માત્ર પૂર્વ કોર્પોરેટર કેતન નાખવાને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે અન્ય ત્રણ નવા ચહેરા છે. જેની સામે કોંગ્રેસ દ્વારા પૂર્વ મેયર દિનેશભાઇ નંદાના ભત્રીજા અને એક પૂર્વ મહિલા કોર્પોરેટર નિર્મળાબેન કામોઠીની પેનલને ટિકિટ આપી છે. ત્યારે આ વોર્ડમાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જબરી ફાઇટ છે. અને ભાનુશાલી સમાજ, ખારવા સમાજ, દરજી જ્ઞાતિ,બ્રહ્મ સમાજ અને દલિત સમાજ સહિતના અનેક જ્ઞાતિના લોકોની વસવાટ સાથેના આ વોર્ડમાં પોતાની પેનલને જે પાર્ટી વધુ મત અપાવવામાં સફળ સાબિત થશે, તે જ જીતનો સ્વાદ ચાખી શકશે. પરંતુ આ વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ બંને વચ્ચે કસોકસની ફાઇટ છે.

વોર્ડ નંબર 14

આ વોર્ડ પણ ભાજપના ગઢ સમાન ગણાય છે. અને ગત ટર્મના મહિલા વિજેતા ઉમેદવાર પ્રતિભાબેન કનખરા કે જેઓએ અઢી વર્ષ સુધી મેયરપદ પણ ભોગવ્યું હતું. જ્યારે કોર્પોરેટર મનીષ કટારીયા કે જેઓ ભાજપના યુવા મોરચાના પ્રમુખ પણ છે આ વોર્ડમાં મનીષ કટારીયા સિવાય અન્ય ત્રણ નવા ઉમેદવારોને ભાજપે તક આપી છે. જેની સામે કોંગ્રેસ દ્વારા નવી પેનલ બનાવીને ઉતારવામાં આવી છે. અને આમ આદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. ત્યારે આ વોર્ડમાં ભાજપનો હાથ વધુ ઉપર જણાય છે. પરંતુ કોંગ્રેસ અને આપ પાર્ટી કેટલું જોર બતાવે છે તે જોવાનું રહેશે.

વોર્ડ નંબર 15

જ્યાં કોંગ્રેસ પાર્ટીનો જ દબદબો રહ્યો છે. અને કોંગ્રેસની પેનલ અહીં વિજયી થાય છે. ગત ટર્મની પેનલ પૈકીના ચારેય ઉમેદવારોને કોંગ્રેસે ટિકિટ આપી છે. જેની સામે ભાજપ દ્વારા નવાચાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પીએ એવા પ્રવિણસિંહ જાડેજાના પત્ની પણ આ વોર્ડમાંથી નસીબ અજમાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની પેનલમાં ભાજપ કેવું ગાબડું પાડી શકે છે. તે જોવાનું રહેશે. આમ આદમી પાર્ટી દ્વારા અહીં ત્રણ ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા હતા. જેમાં સતવારા સમાજના મહત્વના ગણાતા એક ઉમેદવારે તો ભાજપને ટેકો આપી દીધો છે. ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ છે.

વોર્ડ નંબર 16

ગત ટર્મની ચૂંટણીમાં આવોર્ડમાં કોંગ્રેસે મેદાન મારી લીધું હતું, અને ભાજપના ગઢ સમાન ગણાતા વોર્ડમાં આખી પેનલને કોંગ્રેસ પાર્ટી તરફ ખેંચી લીધી હતી. અને ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો. જેની સામે આ વખતે ભાજપે પૂર્વ કોર્પોરેટર મહાવીર સિંહ જાડેજાના પત્નીને ટિકિટ આપી છે. સાથોસાથ ભાજપના એક સંનિષ્ઠ કાર્યકરને પણ આ વોર્ડમાં તક આપી છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી કેજે ગત ટર્મમાં કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા, અને કોંગ્રેસને પેનલ કાઢી આપવામાં સારી એવી મદદ કરી હતી. પરંતુ ધારાસભાની ચૂંટણી સમયે તેણે ભાજપમાં પ્રવેશ કરી લીધો હતો. જેથી આ વોર્ડમાં ફરીથી ભાજપ તરફી વાતાવરણ બન્યું છે. જેની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ચાર ઉમેદવારોની પેનલને ઉભી રાખવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પોતાની બેઠકો જાળવી રાખે છે, કે ભાજપ ફરીથી પોતાનો દબદબો કાયમ કરવા માંગે છે. અને આમ આદમી પાર્ટી તેમાં કેટલી રોક લગાવી શકે છે, તે જોવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post ભાજપ ગેલમાં/ સળંગ છઠ્ઠી વખત આ મહાપાલિકા પર કેસરિયો લહેરાશે : AAP-કોંગ્રેસમાં પાડશે ગાબડું, જાણી લો કોણ જીતશે કોણ હારશે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next